થાઈલેન્ડના વડાપ્રધાનની હકાલપટ્ટી, જેલમાં ગયેલા શખ્સને મંત્રી બનાવતા સુપ્રીમ કોર્ટે ગણાવ્યું નૈતિકતાનું ઉલ્લંઘન
Image Source; Twitter
Thailand Prime Minister Srettha Thavisin Removed: થાઈલેન્ડની સુપ્રીમ કોર્ટે બુધવારે વડાપ્રધાન શ્રેથા થાવિસિનને નૈતિકતાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં પદ પરથી હટાવી દીધા છે. કોર્ટે એક અઠવાડિયા પહેલા મુખ્ય વિપક્ષી પાર્ટીનું વિસર્જન કરવાનો આદેશ આપ્યો હતો. આ બે ઘટનાક્રમ બાદ થાઈલેન્ડના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. પીએમ શ્રીથાએ પોતાની કેબિનેટમાં એક એવા સભ્યની નિમણૂકનો સમાવેશ કર્યો હતો જે એક કોર્ટ અધિકારીને કથિત રીતે લાંચ આપવાના પ્રયાસમાં જેલમાં હતો. શ્રેથા થાવિસિનના આ પગલાને નૈતિકતાનું ઉલ્લંઘન માની બંધારણીય કોર્ટે તેમને દોષી ઠેરવીને વડાપ્રધાન પદ પરથી હટાવી દીધા છે.
નવ જજોની બંધારણીય બેન્ચે 5:4ના વિભાજિત મત સાથે નિર્ણય સંભળાવ્યો
શ્રેથા સામે નવ જજોની બંધારણીય બેન્ચે 5:4ના વિભાજિત મત સાથે નિર્ણય સંભળાવ્યો હતો. જ્યાં સુધી સંસદ નવા વડાપ્રધાનના પદગ્રહણને મંજૂરી ન આપે ત્યાં સુધી વર્તમાન કેબિનેટ કાર્યવાહક આધાર પર બની રહેશે. કોર્ટે નવા વડાપ્રધાનની પસંદગી માટે સંસદ માટે કોઈ સમય મર્યાદા નથી રાખી. એપ્રિલમાં કેબિનેટમાં ફેરબદલમાં શ્રેથા થાવિસિને પિચિત ચુએનબાનને વડાપ્રધાન કાર્યાલયના મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા.
પિચિતને 2008માં કોર્ટની અવમાનના બદલ 6 મહિનાની જેલ થઈ હતી જ્યારે તેણે પૂર્વ વડાપ્રધાન થાકસિન શિનાવાત્રા સાથે સબંધિત એક મામલે એક જજને કરિયાણાની થેલીમાં 2 મિલિયન થાઈ બોટ ($55,000) રોકડ લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે વડાપ્રધાન કાર્યાલયમાં મંત્રી પદ પર પિચિતની નિમણૂકને લઈને જ્યારે વિવાદ શરૂ થયો તો તેમણે પદ સંભાળ્યાના થોડા જ અઠવાડિયા બાદ રાજીનામું આપી દીધું.
સુપ્રીમ કોર્ટે ગણાવ્યું નૈતિકતાનું ઉલ્લંઘન
કોર્ટે કહ્યું કે, જોકે પિચિત પોતાના ગુના માટે પહેલા જ જેલની સજા ભોગવી ચૂક્યો છે પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ તેનું વર્તન અપ્રમાણિક હતું. કોર્ટે ચુકાદો આપ્યો કે વડાપ્રધાન તરીકે શ્રેથા થીવિસિનની એ જવાબદારી હતી કે, તેઓ પોતાની કેબિનેટમાં કોઈને સામેલ કરતા પહેલા તેના અંગત ઈતિહાસ અને લાયકાત વિશે માહિતી મેળવી લે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે પીએમ શ્રેથા પિચિત ચુએનબાનના ભૂતકાળ વિશે જાણતા હતા તેમ છતાં તેમને પોતાની કેબિનેટમાં સામેલ કર્યા. તેથી અમે નિર્ણય પર આવ્યા છીએ કે, તેમણે કોડ ઓફ એથિક્સ (આચાર સંહિતા)નું ઉલ્લંઘન કર્યું છે.