આતંકીઓને પાક.માં ઘૂસીને મારો : અમેરિકા ભારતની પડખે
- પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે પહલગામના આતંકીઓને સ્વાતંત્ર્ય સેનાની ગણાવી નફ્ફટાઈની હદ વટાવી
- પાકિસ્તાનનો અંકુશ રેખા પર આખી રાત ગોળીબાર, ભારતે જડબાતોડ જવાબ આપ્યો, બાંદીપોરામાં સુરક્ષા દળોની આતંકીઓ સાથે અથડામણ
- પહલગામમાં ઈસ્લામિક આતંકી હુમલો, આતંકીઓને ઝડપી લેવા અમેરિકા ભારતને મદદ કરશે : તુલસી ગબ્બાર્ડની હૈયાધારણ
- લંડનમાં પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં બ્રિટિશ સાંસદો હાજર રહ્યા
વોશિંગ્ટન/લંડન/પેરિસ : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બૈસારન ખાતે આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આવા સમયે પણ પાકિસ્તાને આડોડાઈ છોડી નથી. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે પહલગામમાં આતંકી હુમલો કરનારાઓને સ્વતંત્રતા સેનાની ગણાવતા ભારે હોબાળો મચી ગયો છે. બીજીબાજુ આ જધન્ય કૃત્ય કરનારા આતંકીઓને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને મારવા માટે માત્ર ભારત જ નહીં આખી દુનિયામાંથી હાકલ થઈ રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઈંગ્લેન્ડના વડાપ્રધાન કીર સ્ટાર્મર, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રો સહિત દુનિયાના મોટાભાગના દેશોએ પાકિસ્તાન સામે આકરું વલણ અપનાવવા મુદ્દે ભારતની પડખે રહેવાની ખાતરી આપી છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા માટે આખી દુનિયામાં પાકિસ્તાનની બદનામી થઈ રહી છે. આવા સમયે પણ પાકિસ્તાન તેની અવણચંડાઈમાંથી બાજ નથી આવી રહ્યું. ભારતે પહલગામ હુમલામાં સંડોવણી બદલ પાકિસ્તાન સામે આકરાં પગલાંની જાહેરાત કરી છે, જેમાં ૧૯૬૦ના દાયકાની સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરવાની જાહેરાતનો સમાવેશ થાય છે.
ભારતની જાહેરાતના બીજા દિવસે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું કે, પાકિસ્તાનમાં ૨૪ કરોડ લોકો માટે સિંધુ નદીનું પાણી જીવાદોરી સમાન છે. તમે આ પાણી અટકાવી શકો નહીં. ભારતનું આ પગલું યુદ્ધ છેડવા સમાન છે. બીજીબાજુ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે આતંકી હુમલો કરનારાઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ૨૨ એપ્રિલે પહલગામ જિલ્લામાં જે લોકોએ હુમલો કર્યો તે સ્વતંત્રતા સેનાની હોઈ શકે છે. ઈશાક ડારના આ નિવેદને ભારે હોબાળો મચાવ્યો છે.
પહલગામમાં આતંકીઓએ મંગળવારે હુમલો કર્યા પછી સતત ત્રણ દિવસથી જમ્મુ-કાશ્મીરમાં અલગ અલગ સ્થળો પર સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરના બાંદીપોરમાં શુક્રવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક આતંકીને ઈજા પહોંચી હતી, પરંતુ તે ભાગી છૂટયો હતો. બીજીબાજુ પાકિસ્તાની સૈન્યે ગુરુવારે આખી રાત એલઓસી પર ગોળીબાર કર્યો હતો. ભારતીય સૈન્યે પણ તેને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ અથડામણમાં ભારતીય પક્ષે કોઈ નુકસાન થયું નથી. પાકિસ્તાની સૈન્યે એલઓસી પર નાના હથિયારોથી ભારતીય પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. જોકે, પહલગામના આતંકી હુમલાથી બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિમાં પણ પાકિસ્તાને ગોળીબાર કરતા સ્થિતિ વધુ વણસી છે.
પાકિસ્તાનની આ અવળચંડાઈ વચ્ચે પહલગામમાં આતંકી હુમલા મુદ્દે સમગ્ર દુનિયા ભારતની પડખે ઉભી છે. આ હુમલો કરનારા આતંકીઓને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને મારવા સહિતના દરેક પ્રકારના પગલાં માટે દુનિયાના દેશોએ ભારતને સમર્થન આપ્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈંક્રો, ઈટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા સહિત દુનિયાના અનેક નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી હતી. તેમણે દુનિયાના નેતાઓને પહલગામમાં આતંકી હુમલાની વાસ્તવિક સ્થિતિથી માહિતગાર કર્યા હતા. બધા જ નેતાઓએ પીએમ મોદીને તેમના કોઈપણ નિર્ણયમાં સાથ આપવાનું વચન આપ્યું હતું.
અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બૂ્રસે કહ્યું કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્ક રુબિયોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. તેઓ પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે અમેરિકા ભારતની સાથે છે અને આતંકવાદના દરેક કૃત્યની આકરી નિંદા કરે છે. અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બીજીબાજુ અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક તુલસી ગબ્બાર્ડે કહ્યું કે, પહલગામમાં ભયાનક આતંકી હુમલા પછી અમે ભારત સાથે ઊભા છીએ. આ જધન્ય હુમલાના જવાબદાર લોકોને ઝડપી લેવા માટે અમેરિકા ભારતને સંપૂર્ણ સહયોગ કરશે.
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે, પહલગામમાં આતંકી હુમલો અત્યંત ધૃણાસ્પદ છે. તેઓ ભારતના વડાપ્રધાનના સંપર્કમાં રહેશે. બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને ભારતના સમર્થનમાં કહ્યું કે, ભારત જે પણ પગલાં ઉઠાવશે તેને અમારું સમર્થન છે. ભારત પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરશે તો પણ અમે સંપૂર્ણ સમર્થન આપીશું. બ્રિટન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બ્રિટનના સાંસદો સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી. તેમણે આતંકવાદ મુદ્દે ભારતને પૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.
બીજીબાજુ ફ્રાન્સના પ્રમુખ મૈક્રો, જોર્ડનના શાહ અબ્દુલ્લા બીજા, ઈટાલીનાં વડાંપ્રધાન મેલોની અને જાપાનના વડાપ્રધાન ઈશિબા સહિત વૈશ્વિક નેતાઓએ પણ વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી. બધા જ નેતાઓએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી સહિત કોઈપણ પ્રકારનાં પગલાંને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. મૈક્રોએ કહ્યું કે, આતંકીઓએ નાગરિકો પર કરેલી બર્બરતા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ આતંકવાદને માનવતા માટે ગંભીર જોખમ ગણાવ્યું છે. લોકતંત્રમાં વિશ્વાસ રાખનારા માટે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ઈઝરાયેલ ભારતની સાથે છે તેમ નેતન્યાહુએ કહ્યું હતું. આ સાથે પહલગામ હુમલાના સંદર્ભમાં ભારતે સતત બીજા દિવસે જી-૨૦ના રાજદૂતો સાથે ચર્ચા કરી હતી.