'રમઝાન પહેલા ખતમ કરી દો...' નેતન્યાહૂનો 23 લાખની વસતીવાળા શહેર અંગે ખતરનાક પ્લાન
રાફાહમાં ઓપરેશન ચલાવીને તે ગાઝામાં બાકી રહેલા હમાસના અન્ય આતંકીઓનો પણ સફાયો કરી નાખવા માગે છે
image : Twitter |
Israel hamas war Updates and Netanyahu threat | ગાઝા પર જારી હુમલા વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અગાઉની તુલનાએ વધુ ખતરનાક સાબિત થઈ રહ્યા છે. તેમનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય દબાણને જોતાં ઈઝરાયલ પાસે રાફાહમાં તેમના ઓપરેશનને પૂર્ણ કરવા માટે ફક્ત 1 જ મહિનો બાકી છે. રાફાહમાં ઓપરેશન ચલાવીને તે ગાઝામાં બાકી રહેલા હમાસના અન્ય આતંકીઓનો પણ સફાયો કરી નાખવા માગે છે. હવે તેના માટે તેમણે ડેડલાઇન નક્કી કરી દીધી છે.
રમઝાન પહેલા સફાયો કરી નાખવાનું લક્ષ્ય
અહેવાલ અનુસાર વડાપ્રધાન નેતન્યાહૂએ તાજેતરમાં યુદ્ધમાં સામેલ સૈન્ય અધિકારીઓને આદેશ આપ્યો હતો કે ગાજાના સૌથી દક્ષિણે આવેલા શહેરમાં જારી ઓપરેશનને મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાન પહેલાં પૂર્ણ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે 10 માર્ચથી રમઝાન મહિનાની શરૂઆત થવા જઇ રહી છે.
IDFના ચીફ આ ખતરનાક ઈરાદાઓ સામે ચિંતિત!
રાફાહ ઓપરેશન પર ચર્ચા દરમિયાન IDFના ચીફ ઓફ સ્ટાફ હરઝી હલેવીએ નેતન્યાહુને કહ્યું હતું કે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ ઓપરેશન માટે તૈયાર છે, પરંતુ સરકારે પહેલા નક્કી કરવાની જરૂર હતી કે તે શું કરવા માંગે છે. વિસ્થાપિત ગાઝાવાસીઓ હાલમાં ત્યાં આશરો લઈ રહ્યા છે.
ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં 44 પેલેસ્ટિનીના મોત
અગાઉ શુક્રવારે મોડી રાત્રે ગાઝા પટ્ટીના રાફાહ વિસ્તારમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 44 પેલેસ્ટિની લોકો માર્યા ગયા હતા. આ હુમલા ઈઝરાયેલના વડાપ્રધાનના એ નિવેદનના કલાકો બાદ કરાયા જેમાં તેમણે જમીની હુમલા માટે દક્ષિણ ગાઝા શહેરમાંથી હજારો લોકોને બહાર કાઢી મૂકવા માટે સૈન્યને યોજના તૈયાર કરવા કહ્યું હતું. બેન્ઝામિન નેતન્યાહૂની ખતરનાક યોજનાને કારણે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. વારંવાર લોકોને આદેશ આપવામાં આવતા 23 લાખની વસતી ધરાવતા શહેરમાંથી 50 ટકાથી વધુ લોકો તો રાફાહ તરફ આગળ વધી ગયા છે.