બલૂચિસ્તાનમાં મોટો આતંકી હુમલો, લોકોને બસમાંથી ઊતારી ગોળીઓથી વીંધી નાખ્યાં, 11નાં મોત
image : Twitter
Terrorists Attack in Balochistan : પાકિસ્તાનનો બલૂચિસ્તાન પ્રાંત ભડકે બળી રહ્યો છે. આતંકવાદીઓએ બસનુ અપહરણ કરીને નવ યાત્રીછઓને ગોળી મારી દીધી હોવાની ઘટના બાદ પાકિસ્તાની સરકાર હાંફળી ફાંફળી થઈ ગઈ છે. જ્યારે અન્ય એક ઘટનામાં કાર પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ અને તેમાં બે લોકોના મોત થયા હતા.
બલૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગતીના કહેવા પ્રમાણે આ બંને હુમલા હાઈવે પર થયા હતા. એક ઘટનામાં આતંકવાદીઓએ બસ રોકી હતી.બસમાં બેઠેલા નવ લોકોનુ બંદુકની અણીએ અપહરણ કર્યુ હતુ. એ પછી તેમને પહાડી વિસ્તારમાં લઈ ગયા હતા. તેમને ત્યાં ગોળી મારી દેવામાં આવી હતી. તેમના મૃતદેહો મળી આવ્યા છે.
અન્ય એક બનાવમાં આ જ હાઈવે પર જઈ રહેલી કાર પર ફાયરિંગ કરાયુ હતુ અને તેમાં બે લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગતીએ કહ્યુ હતુ કે, આ કૃત્યને અંજામ આપનારા લોકોને બહુ જલદી પકડી લેવામાં આવશે. આતંકવાદીઓનો એક માત્ર ઉદ્દેશ બલૂચિસ્તાનની શાંતિને ખતમ કરવાનો છે. સુરક્ષા એજન્સીઓ તેમનુ પગેરુ મેળવી રહી છે.
હાલ તો આતંકી હુમલાની કોઈ સંગઠને જવાબદારી લીધી નથી પણ સ્થાનિક તંત્ર માટે ચિંતાની વાત છે કે, બલૂચિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી હુમલાની ઘટનાઓ વધી ગઈ છે. તાજેતરમાં જ આ પ્રાંતના ગ્વાદર બંદર પર, માચ શહેરમાં અને તુરબતમાં એક નેવી બેઝ પર આતંકી હુમલા થયા હતા અને તેની જવાબદારી પ્રતિબંધિત સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી હતી.