વિશ્વના સૌથી 'દુષ્ટો'માં સામેલ આતંકી રાણાને તાત્કાલિક ભારત મોકલી દેવાશે : ટ્રમ્પ
- મોદી-ટ્રમ્પની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત
- મુંબઇ હુમલામાં સામેલ તહવ્વુર રાણાના સરેન્ડર બાદ ભારત લાવવા પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે : વિદેશ મંત્રાલય
વોશિંગ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને લઇને મોટી જાહેરાત કરી હતી, ટ્રમ્પે કહ્યું હતું કે આતંકી તહવ્વુર રાણાને વહેલીતકે ભારત રવાના કરવા માટે અમારા પ્રશાસને મંજૂરી આપી દીધી છે. રાણાને ભારત મોકલવામાં આવશે જ્યાં તે ન્યાયીક કાર્યવાહીનો સામનો કરશે. બીજી તરફ ભારતે તેને કઇ જેલમાં રાખવો અને સરેન્ડર કરાવવા સહિતની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
તહવ્વુર રાણા હાલ લોસ એન્જલ્સના ડિટેન્સન સેન્ટરમાં કેદ છે, મુંબઇમાં થયેલા આતંકી હુમલામાં રાણાની ભૂમિકા છે, તેણે આ હુમલા પહેલા રેકી કરીને તમામ માહિતી અન્ય આતંકી ડેવીડ કોલમન હેડલીને આપી હતી. રાણાએ અમેરિકાની તમામ કોર્ટોમાં ભારતમાં પ્રત્યાર્પણ સામે અપીલ કરી હતી જેને કોર્ટોએ ફગાવી દેતા હવે અંતે ટ્રમ્પ સરકારે પણ તેને ભારત મોકલવાને મંજૂરી આપી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરંસને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મને આજે જાહેરાત કરતા આનંદ થાય છે કે મારી સરકારે વિશ્વના સૌથી દુષ્ટ લોકોમાં સામેલ તહવ્વુર રાણાના ભારતમાં પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. તેને ભારતમાં મોકલવામાં આવશે કે જેથી ત્યાં જઇને તે ન્યાયીક કાર્યવાહીનો સામનો કરે. જાન્યુઆરી મહિનામાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને અંતીમ મોહર લગાવી દીધી હતી. બીજી તરફ અમેરિકાના પ્રમુખની જાહેરાત સાથે જ રાણાને ભારત લાવવાની તૈયારી શરૂ થઇ ગઇ છે.
મૂળ પાકિસ્તાની કેનેડીયન નાગરિકતા ધરાવતો તહવ્વુર રાણા મુંબઇમાં વર્ષ ૨૦૦૮માં થયેલા આતંકી હુમલાનો આરોપી છે. પાકિસ્તાનથી આવેલા ૧૦ આતંકીઓએ આ હુમલો કર્યો હતો જેમાં ૧૬૬ નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલામાં તહવ્વુર રાણાની ભૂમિકા સામે આવી છે. તેણે હુમલા પહેલા રેકી કરી હતી અને તમામ માહિતી અન્ય આતંકીઓ સુધી પહોંચાડી હતી. હવે તેને ભારતમાં લાવીને તેની સામે કાર્યવાહી કરાશે. વિદેશ સચીવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે રાણાના સરેન્ડર અને પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.