પાકિસ્તાનમાં યાત્રી બસ પર આતંકવાદી હુમલો, અંધાધૂધ ફાયરિંગ બાદ બસની ટ્રક સાથે ટક્કર, આઠના મોત
Image Source: Twitter
ઈસ્લામાબાદ, તા. 3. ડિસેમ્બર. 2023 રવિવાર
પાકિસ્તાનમાં આતંકીઓ બેફામ થઈ ચુકયા છે અને એક પછી એક આતંકી હુમલા થઈ રહ્યા છે.
હવે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરના ગિલગિટ બાલ્ટિસ્તાનનો વારો આવ્યો છે.અહીંયા એક બસ પર આતંકીઓએ હુમલો કરીને અંધાધૂધ ફાયરિંગ કર્યુ હતુ અને તેના કારણે આઠ લોકોના મોત થયુ છે.
પોલીસે કહ્યુ હતુ કે, આ બસ ગિલગિટથી રાવલપિંડી જઈ રહી હતી અને સાંજે સાડા છ વાગ્યે આતંકીઓએ તેના પર ફાયરિંગ શરુ કરી દીધુ હતુ.જેના કારણે બસ ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગૂમાવ્યો હતો અને બસ સામે આવતી એક ટ્રક સાથે અથડાઈ હતી.
હુમલામાં માર્યા ગયેલા આઠ લોકો પૈકી પાંચની ઓળખ થઈ ચુકી છે.બીજા 26 લોકો ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે.મરનારામાં પાકિસ્તાની સેનાના બે જવાન પણ સામેલ છે.
બસમાં બેઠેલા મોટા ભાગના લોકો સામાન્ય યાત્રીઓ હતા અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોના નાગરિક છે.હુમલા પછી આતંકીઓ ભાગી જવામાં સફળ રહ્યા છે.
ઘાયલો પૈકી ઘણાની હાલત ગંભીર હોવાથી મરનારાઓની સંખ્યા વધી શકે છે.
પોલીસે કહ્યુ હતુ કે, આતંકવાદીઓને પકડવા માટે તલાશી અભિયાન ચાલુ છે.અત્યાર સુધી કોઈ આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.2013માં પણ ગિલગિટ બાલ્ટિસ્તાનમાં આતંકીઓએ પર્વતારોહીઓના એક કેમ્પ પર હુમલો કર્યો હતો અને તેમાં નવ વિદેશી નાગરિકોના મોત થયા હતા.