પાકિસ્તાનમાં સતત ત્રીજા દિવસે આતંકવાદી હુમલો, પોલીસ ચેક પોસ્ટને બનાવ્યુ નિશાન

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનમાં સતત ત્રીજા દિવસે આતંકવાદી હુમલો, પોલીસ ચેક પોસ્ટને બનાવ્યુ નિશાન 1 - image


Image Source: Twitter

- આતંકવાદીઓએ ડેરા ઈસ્માઈલ ખાનમાં ટેન્કના ગુલ ઈમામ વિસ્તારમાં પોલીસ ચેક પોસ્ટ પર હુમલો કર્યો

- હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ

ઈસ્લામાબાદ, તા. 05 નવેમ્બર 2023, રવિવાર

Pakistan Police Post Blast: પાકિસ્તાનમાં સતત ત્રીજા દિવસે આતંકવાદી હુમલો થયો છે. આ પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓએ ડેરા ઈસ્માઈલ ખાનમાં ટેન્કના ગુલ ઈમામ વિસ્તારમાં પોલીસ ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો.

હુમલામાં ઘાયલ થયેલા પોલીસકર્મીનું નામ વહીદ ગુલ છે. રાહત કાર્ય માટે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં હુમલામાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટકોને હજુ શોધી શકાયા નથી.

મિયાંવાલી એરબેઝ પર થયો હતો હુમલો

ગઈ કાલે સવારે પંજાબ પ્રાંતના મિયાંવાલી એરબેઝ પર પણ કેટલાક આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે એરબેઝને ઘણું નુકસાન થયું હતું. હુમલાખોરોએ એરબેઝમાં ઘૂસવા માટે સીડીનો ઉપયોગ કર્યો હતો. એરબેઝ પર હુમલા બાદ પાકિસ્તાની સેનાએ9 આતંકીઓને ઠાર કર્યા હોવાની વાત કહી હતી. આ હુમલાની જવાબદારી તહરીક-એ-જેહાદે લીધી હતી. આ સંગઠને અત્યાર સુધીમાં છ હુમલાની જવાબદારી લીધી છે. હજુ સુધી આ સંસ્થા વિશે વધુ માહિતી નથી. અનેક નિષ્ણાતો તહરીક-એ-જેહાદને રહસ્યમય સંગઠન ગણાવે છે.

આતંકવાદી હુમલામાં 14 પાકિસ્તાની સૈનિક શહીદ

શુક્રવારે પાકિસ્તાનના ગ્વાદર જિલ્લામાં સુરક્ષાદળોના વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 14 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલાને લઈને ISPRએ એક નિવેદન જારી કરીને કહ્યું કે સેનાના બે વાહનો ઓરમારા તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને 14 જવાનો શહીદ થઈ ગયા છે.


Google NewsGoogle News