ખૈબર-પખ્તુનવા પ્રાંતમાં આતંકી હુમલો ફ્રન્ટીયર કોન્સ્ટેબલરીના 10 પોલીસ ઠાર
- TTPને અફઘાન તાલિબાનો આશ્રય અને સાથ આપે છે
- ડેરા ઇસ્માઇલ ખાન પાસેના આઉટ પોસ્ટ પર થયેલા હુમલાની ખુલ્લેઆમ જવાબદારી તહેરિક-એ-તાલિબાન- એ- પાકિસ્તાન (TTP) એ લીધી છે
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સતત અશાંતિગ્રસ્ત પ્રાંત ખૈબર-પખ્તુનવા- પ્રાંતમાં આવેલા શહેર ડેરા ઇસ્માઇલ ખાન પાસેના એક આઉટ પોસ્ટ પર ગુરૂવારે આતંકીઓએ હુમલો કરી ફ્રન્ટીયર કોન્સ્ટેબલરીના ૧૦ પોલીસોને ઠાર મારી દીધા હતા.
આ માહિતી આપતા પોલીસ સાધનો જણાવે છે કે, આ હુમલાની જવાબદારી તહેરિક-એ-તાલિબાન- એ- પાકિસ્તાન (ટીટીપી) એ ખુલ્લે આમ સ્વીકારી છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વે સરહદ પ્રાંત તરીકે ઓળખાતા આ ખૈબર-પખ્તુનવા પ્રાંતમાં સદીઓથી સરકાર જેવું કશું હોતું જ નથી. ત્યાં પર્વતીય પ્રદેશના વિસ્તારોમાં કબાઈલી ખાનો (સરદારો)નું જ શાસન છે. જનતા પણ તેમને જ 'સરદાર' તરીકે સ્વીકારી કાયદેસર ખંડણી પણ આપે છે. આ વિસ્તારની જનતા પણ મેદાનોમાં રહેલી સરકારોને સ્વીકારવા તૈયાર નથી. આમ છતાં ત્યાં અમુક અમુક વિસ્તારોમાં પાકિસ્તાની સરકારે તેનાં પોલીસ થાણાં (આઉટ-પોસ્ટસ) સ્થાપ્યા છે. જે ત્યાંની જનતાને પણ આંખનાં કણાંની જેમ ખૂંચે છે. આવી જ પરિસ્થિતિ બલુચિસ્તાનમાં છે. ત્યાંના પર્વતીય પ્રદેશમાં બલુચ-લિબરેશન-આર્મી (બીએલએ) તરીકે ઓળખાતા જૂથનું જ વિધિવત રાજ્ય ચાલે છે. તેઓ પણ ઇસ્લામાબાદની સરકારને સ્વીકારતા જ નથી.
ત્રણ પોલીસ સાધનોએ આ હુમલો થયો હોવાની વાત સ્વીકારી છે. તેઓ જણાવે છે કે, ત્રાસવાદીઓનાં મોટા જૂથે તે આઉટ-પોસ્ટ ઉપર હુમલો કરી તે આઉટ પોસ્ટ ખેદાન-મેદાન કરી નાખ્યું હતું તેમાં રહેલા ફ્રન્ટીયર કોન્સ્ટેબલરીના ૧૦ પોલીસને પણ ઠાર માર્યા હતા.
આ હુમલા અંગે ખૈબર પખ્તુવા પ્રાંતના મુખ્ય મંત્રી અલિ અમીન ગંડપુરે એક નિવેદન પ્રસિદ્ધ કરી તે હુમલાને વખોડી કાઢ્યો હતો. જ્યારે ટીટીપીએ પણ સામુ નિવેદન પ્રસિદ્ધ કરી જણાવ્યું હતું કે, તેમના વરિષ્ટ નેતા ઉસ્તાદ કુરેશીની સરકારી દળોએ કરેલી હત્યાનો બદલો લેવા આ હુમલો કરાયો હતો.
આ કુરેશી અફઘાનિસ્તાનને સ્પર્શીને રહેલા બાજૌર જિલ્લાનો નિવાસી હતો.
પાકિસ્તાન સ્થિત આતંકી જુથ ટીટીપી અફઘાનિસ્તાનના આતંકી જૂથ તાલિબાનથી અલગ છે, તે સ્વતંત્ર રીતે કાર્યવાહી ચલાવે છે. પરંતુ તે અપઘાન તાલિબાનના સતત સંપર્કમાં રહે છે. તેઓ ભીંસમાં મુકાઈ જાય ત્યારે અફઘાનિસ્તાન ચાલ્યા જાય છે. જયાં તેમને અફઘાન તાલિબાનો આશ્રય પણ આપે છે. અફઘાનિસ્તાન તે તહેરિક-એ-તાલિબાન- એ- પાકિસ્તાન (ટીટીપી) માટેનું સેઇફ હેવન છે. જો કે અફઘાન તાલિબાન તેનો ઇનકાર કરે છે.
વાસ્તવમાં પાકિસ્તાને જ તાલિબાન ઊભા કર્યા છે જે ફ્રેન્કેસ્ટાઈન બની પાકિસ્તાન સામે જ પડયા છે.