અમેરિકામાં નવા વર્ષનો લોહિયાળ પ્રારંભ, ઉજવણી કરનારા પર ટ્રક ફેરવી, મૃતકાંક વધીને 15એ પહોંચ્યો
- પોલીસને ઘટનાસ્થળેથી મળી આવેલો પદાર્થ આઈઈડી હોવાની સંભાવના : એફબીઆઇનો દાવો
US Attack News | અમેરિકામાં નવા વર્ષની શરુઆત લોહિયાળ આતંકવાદી હુમલા સાથે થઈ છે. લુઇસિયાના રાજ્યમાં આવેલા ન્યુ ઓર્લીન્સમાં નવા વર્ષના પહેલા જ દિવસે મેયરના દાવા મુજબ એક આતંકવાદી સવારે સવા ત્રણ વાગે પિક-અપ ટ્રક લઈ ઉજવણી કરતાં લોકોની ભીડ પર ધસી ગયો હતો અને તેણે 15ને કચડી નાખ્યા હતા અને 30થી વધુને ઇજા પહોંચાડી હતી.પિક-અપ ટ્રક અટક્યા પછી તે બહાર આવ્યો હતો અને ઓટોમેટિક મશીનગન વડે લોકો પર હુમલો કર્યો હતો. તેને અટકાવવા આવેલી પોલીસ પર પણ તેણે હુમલો કરતાં પોલીસે જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કર્યો હતો. આમ ટ્રમ્પ 20મી તારીખે સત્તા સંભાળે તે પહેલા જ આ આતંકવાદી હુમલો થયો છે.
હુમલાખોર ઇસ્લામિક સ્ટેટનો હોવાનું મનાય છે. એફબીઆઈએ જણાવ્યું હતું કે લોકો પર પિક અપ ટ્રક ચઢાવી હુમલો કર્યા પછી ગોળીબાર કરનારો ડ્રાઇવર પોલીસ સાથેની ગનફાઇટમાં માર્યો ગયો હતો. તેમા બે પોલીસને પણ ગોળી વાગી છે, પણ તેમની સ્થિતિ સ્થિર છે.પત્રકાર પરિષદમાં ન્યુ ઓર્લીન્સની મેયર લાટોયા કેન્ટ્રલે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો અને પોલીસ વડાએ જણાવ્યું હતું આ રીતસરનું ઇરાદાપૂર્વકનું કૃત્ય હતું.
પોલીસ કમિશ્નર એનકિર્ક પેટ્રિકે જણાવ્યું હતું કે પિક-અપ ટ્રકનો ડ્રાઇવર રીતસરનો જાણે લોકોને મારવાના દ્રઢ નિશ્ચયથી આવ્યો હતો અને ટ્રક ચઢાવી દેવાથી પણ સંતોષ ન હોય તેમ પછી મશીનગન લઈ નીકળી પડયો હતો. તેણે જે નુકસાન કરવાનું હતું તે કરી નાખ્યું. તે શક્ય તેટલા લોકોને કચડી નાખવા અને બંદૂકથી મારી નાખવા માંગતો હતો.
એફબીઆઈ આસિસ્ટન્ટ સ્પેશ્યલ એજન્ટ ઇન ચાર્જ એલીથીયા ડંકને જણાવ્યું હતું કે અધિકારીઓ ઘટનાસ્થળની ચકાસણી કરી રહ્યા છે અને ઘટનાસ્થળેથી એક શંકાસ્પદ પદાર્થ મળ્યો છે અને તે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઇસ હોવાનું મનાય છે. આ આખો વિસ્તાર નવા વર્ષની ઉજવણી માટેના જાણીતા વિસ્તારોમાં એક છે. એક પ્રત્યક્ષ દર્શીએ સીએનએનને જણાવ્યું હતું કે તેણે જોયું કે એક ટ્રક રીતસર રસ્તા પર બાજુએ ચાલતા લોકોને ઉડાવતા ધસમસતી આગળ આવી રહી છે.
ટ્રકે ઉડાવેલો એક જણ તો મારી આગળ જ ઉછળીને પડયો હતો. તેના પછી બંદૂકની ગોળીના અવાજ આવવા લાગ્યા હતા. ઇજાગ્રસ્તોને પાંચ હોસ્પિટલમાં લઈ જવાયા છે, એમ શહેરના ઇમરજન્સી પ્રીપેર્ડનેસ વિભાગે જણાવ્યું હતું. વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટ જો બાઇડેનને આ અંગે જાણકારી આપવામાં આવી હતી અને ન્યાય વિભાગે જણાવ્યું હતું કે એટર્ની જનરલ મેરિક ગાર્લેન્ડને પણ સમગ્ર ઘટના અંગે જણાવાયું છે. આ હુમલો વધુ એક ઉદાહરણ છે કે વાહનનો ઉપયોગ હવે હુમલો કરવા માટે કેવી રીતે કરવામાં આવે છે.
આ પહેલા જર્મનીમાં પણ 20મી ડિસેમ્બરે મગ્દેબર્ગ શહેરમાં ક્રિસ માર્કેટ પર થયેલા હુમલામાં આ રીતે જ એક સાઉદી ડોક્ટરે ટ્રક ચઢાવી દેતા ચાર મહિલા અને ેક બાળક સહિત પાંચના મોત થયા હતા અને ૨૦૦થી વધુને ઇજા થઈ હતી. આ પહેલા 2021માં મિલ્વોકીમાં એક વ્યક્તિએ ક્રિસમસ વખતે જ લોકો પર એસયુવી ચડાવી દેતા 6ના મોત નીપજ્યા હતા. જજે આ કેસમાં તે વ્યક્તિને માનસિક બીમારી હોવાની તેની અને તેના કુટુંબની દલીલને ફગાવી દઈને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. આ જ રીતે 2017માં મેનહટનમાં હેેલોવીન દરમિયાન બાઇકના રસ્તા પર ટ્રક ચડાવી દઈને આઠને મોતને ઘાટ ઉતારનારા ઇસ્લામિક આતંકવાદીને ગયા વર્ષે દસ વખતની આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
યુએસમાં વર્જિનિયામાં દરોડામાં 150થી વધુ બોમ્બ મળ્યા
અમેરિકામાં ફેડરલ એજન્ટ્સને ઘર બનાવટના વિસ્ફોટકોનો મોટો જથ્થો હાથ લાગતા તે ચોંકી ગયા છે. વર્જિનિયાના એક વ્યક્તિની ગયા મહિને શસ્ત્રોના આરોપમાં ધરપકડ કરવામાં આવી. તેના ઘરે એજન્ટોએ દરોડો પાડયો ત્યારે ઘર બનાવટના શસ્ત્રોનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો પકડાયો છે, એમ કોર્ટમાં કેસ ફાઇલ કરનારા સરકારી વકીલે જણાવ્યું હતું.
તપાસકર્તાઓએ ડિસેમ્બરમાં નોરફોકના ઉત્તરપશ્ચિમે બ્રેડ સ્પાફોર્ડ નામની વ્યક્તિને દરોડા પાડયા ત્યારે તેને ત્યાંથી 150થી વધુ પાઇપ બોમ્બ અને અન્ય ઘર નાવટના વિસ્ફોટકો મળી આવ્યા હતા. સરકારી વકીલોએ જણાવ્યું હતું કે એફબીઆઇના ઇતિહાસમાં અમેરિકાના કોઈ ઘર પરના દરોડામાં મળી આવેલો સૌથી મોટો જથ્થો છે. વાઇટ કાઉન્ટી ખાતેના ઘરે પાડવામાં આવેલા દરોડામાં મોટાભાગના બોમ્બ ઘરની બહારથી અલગ રખાયેલા ગેરેજમાંથી મળી આવ્યા હતા. તેની સાથે વિવિધ ટૂલ્સ અને હતા બોમ્બ બનાવતી સાધન સામગ્રી પણ હતી, તેમા ફ્યુસ અને પ્લાસ્ટિકની પાઇપના વિવિધ કટકાઓનો સમાવેશ થાય છે.
સરકારી વકીલોએ કોર્ટ સમક્ષ કરેલા ફાઇલિંગમાં લખ્યું હતું કે કેટલાક વધારાના પાઇપ બોમ્બ ઘરના ેડરુમના પાછળના ભાગમાંથી મળી આવ્યા હતા, તે એકદમ અસલામત હતા. આ ઘરમાં આરોપી તેની બત્ની અને બા નાના બાળકો સાથે રહેતો હતો. ૩૬ વર્ષના સ્પાફોર્ડ પર નેશનલ ફાયર આર્મ્સ એક્ટના ભંગ કરીને શસ્ત્ર રાખવાનો આરોપ હતો. એફબીઆઇના ઓફિસરોનો આરોપ છે કે તેની પાસે ન નોંધાયેલી ટૂંકા બેરલની રાઇફલ હતી. હવે તેને ત્યાંથી શસ્ત્રોનો જથ્થો મળી આવતા તેના પર બીજા અનેક આરોપ લાગી શકે છે.
વિશ્વભરમાં વાહનોનો શસ્ત્ર તરીકે વધતો ઉપયોગ ચિંતાજનક
વોશિંગ્ટન : અમેરિકામાં નવા વર્ષના આરંભમાં જ ન્યુ ઓર્લિયન્સમા આતંકવાદી હુમલામાં પિક-અપ ટ્રક લોકો પર ચઢાવી દેવામાં આવતા ૧૨ના મોત થયા છે અને 30થી વધુને ઇજા થઈ છે. આમ આતંકવાદી હુમલા માટે કે લોકો પર હુમલા માટે વાહનોનો ઉપયોગ વધી રહ્યો છે. આ પહેલા જર્મનીમાં 20મીએ ક્રિસમસ માર્કેટમાં કાર એટેકમાં હુમલાખોરો લોકો પર કાર ચઢાવી દીધી હતી અને તેમા પાંચના મોત થયા હતા અને 200થી વધુ ઇજા પામ્યા હતા. વાહનોનો શસ્ત્ર તરીક ઉપયોગ થવાનો આ વધુ એક કિસ્સો છે. આ પ્રકારના કિસ્સા છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યા છે.
માગ્દેબર્ગ, જર્મની 20 ડિસેમ્બર 2024
પૂર્વી જર્મનીમાં ક્રિસમસ માર્કેટની ભીડ પર કાર ચઢાવી દેતા પાંચના મોત અને 200થી વધુ ઘાયલ. સાઉદી અરેબિયાના 50 વર્ષીય ડોક્ટરની ધરપકડ
ઝુહાઈ, ચીન, 11 નવેમ્બર 2024
સધર્ન ચાઇનામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કસરત કરી રહેલા લોકો પર ૬૨ વર્ષીય કાર ડ્રાઇવરે કાર ચઢાવી દેતા 35ના મોત.
લંડન, બ્રિટન, 6 જુન 2021
પિકઅપ ટ્રક ડ્રાઇવરે રસ્તા જતાં મુસ્લિમ કુટુંબના ચાર સભ્યોને કચડી કાઢ્યા. કેનેડિયન પીએમે આને ધિક્કારપ્રેરિત આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. શ્વેત રાષ્ટ્રવાદી હુમલાખોરને આજીવન કેદની સજા થઈ હતી.
ટોરોન્ટો, કેનેડા, 23 એપ્રિલ, 2018
25 વર્ષીય કેનેડિયન એલેક્સ ભાડે લીધેલી વાન લઈને ટોરોન્ટોમાં ચાલતા ફેરમાં મુખ્યત્વે મહિલા પદયાત્રીઓને કચડી નાખ્યા હતા. તેમા 10ના મોત થયા હતા અને 16ને ઇજા થઈ હતી.
ન્યૂયોર્ક, અમેરિકા, 31 ઓક્ટોબર 2017
ઉઝબેકિસ્તાનના ઇસ્લામિક આતંકવાદી સેફુલો સાઇપોવે ન્યૂયોર્ક સિટીના બાઇકપાથ પર પિક અપ ટ્રક ચલાવી આઠને કચડી નાખ્યા હતા.
લંડન, બ્રિટન, 3 જુન 2017
લંડન બ્રિજ પર ત્રણ હુમલાખોરોએ વાન રાહદારીઓ પર ચઢાવી દીધી હતી. તેઓએ પછી લોકોનુ સ્ટેબિંગ પણ શરુ કર્યુ હતુ. આ ઘટનામા આઠના મોત થયા હતા અને પોલીસે ત્રણેય હુમલાખોરને ઠાર કર્યા હતા.
લંડન, બ્રિટન, 19 જુન 2017
લંડનના ફિન્સબરી પાર્ક વિસ્તારમાં ઉદ્દામવાદી વિચાર ધરાવતો ડેરેન ઓસ્બોર્ન વાન મસ્જિદની બહાર ઉભેલાઓ પર ચઢાવી દીધી હતી.
બાર્સેલોના, સ્પેન, 17 ઓગસ્ટ 2017
સ્પેનિશ શહેરના ભીડભરેલાવ સ્તિાર લાસ રેમ્બ્લાસ બોલવર્ડમાં એક જણ વાન લઈને ઘૂસી ગયો હતો અને ૧૪ને કચડી નાખ્યા હતા. ઇસ્લામિક ગૂ્રપે તેની જવાબદારી સ્વીકારી હતી.
ચાર્લોટ્સવિલે, વર્જિનિયા, અમેરિકા 12 ઓગસ્ટ 2017
યુનાઇટેડ ધ રાઇટની રેલી દરમિયાન શ્વેત રાષ્ટ્રવાદી જેમ્સ એલેક્સ ફ્રાઇડ્સ ઇરાદાપૂર્વકતેની કાર દેખાવકારો પર લઈ ગયો હતો અને તેમા એક મહિલા મરી હતી અને ડઝનેકને ઇજા થઈ હતી.
લંડન, બ્રિટન, 22 માર્ચ 2017
બ્રિટિશમેન ખાલિદ મસૂદ વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર એસયુવી લઈ ઘૂસી ગયો હતો, તેણે પોલીસને પણ ઠાર કર્યો હતો, પોલીસે તેને ઠાર કર્યો હતો.