ત્રાસવાદ કેન્સર જેવો છે : તે કોઈ સીમાઓ જાણતો નથી : યુનોની મહાસભામાં ભારતે કહ્યું

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
ત્રાસવાદ કેન્સર જેવો છે : તે કોઈ સીમાઓ જાણતો નથી : યુનોની મહાસભામાં ભારતે કહ્યું 1 - image


- 193 દેશોની મહાસભામાં હમાસ-ઈઝરાયેલ યુદ્ધ અંગે થયેલા મતદાનથી ભારત દૂર રહ્યું પરંતુ કહ્યું : હિંસાથી કોઈ કાયમી ઉકેલ મળી શકે જ નહીં

યુનો : 'ત્રાસવાદ તે કેન્સર જેવો છે, તે કોઈ સીમાઓ જાણતો નથી કે કોઈ રાષ્ટ્રીયતા કે જાતિ જાણતો નથી. ત્રાસવાદી કૃત્યોને કદી યોગ્ય ઠરાવી ન શકાય.' ઈઝરાયલ-હમાસ યુદ્ધ અંગે ભારતે પોતાનું આ મંતવ્ય સ્પષ્ટ રીતે રજૂ કર્યું હતું. પરંતુ તે યુદ્ધ અંગે રજૂ કરાયેલા પ્રસ્તાવ પરના મતદાનથી દૂર રહ્યું હતું.

શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં જોર્ડને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેનું શિર્ષક હતું 'નાગરિક અધિકારોનું રક્ષણ અને કાનૂની તથા માનવીય જવાબદારીઓની જાળવણી.' તે પ્રસ્તાવમાં તત્કાળ માનવીય યુદ્ધ વિરામ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી ગાઝાપટ્ટીમાં અવરોધ વિના સહાય પહોંચી શકે.

૧૯૩ સભ્ય દેશોની બનેલી આ મહાસભામાં તત્કાળ અને માનવ જાતિને ખાતર પણ અતૂટ યુદ્ધ વિરામ કરવા બંને પક્ષોને અનુરોધ કરાયો છે.

આ પ્રસ્તાવ તરફે ૧૨૧ મત પડયા જ્યારે વિરૂદ્ધમાં ૪૪ મત પડયા હતા. જ્યારે ભારત સહિત કુલ ૨૮ રાષ્ટ્રો મતદાનથી દૂર રહ્યા હતા.

આ પ્રસ્તાવમાં તત્કાળ સતત ચાલુ રહે તેવો સક્ષમ અને અવરોધ રહિતનો યુદ્ધ વિરામ કરવા માંગણી કરવામાં આવી છે. જેથી સમગ્ર ગાઝાપટ્ટીમાં જીવન જરૂરિયાતની મૂળભૂત ચીજવસ્તુઓ, સેવાઓ નિર્બંધ રીતે મળી શકે.

ભારત વતી આ અંગે રજૂઆત કરતાં યુનો સ્થિત ભારતનાં ડેપ્યુટી પર્મેનન્ટ રેપ્રિઝેન્ટેટીવ યદી પટેલે કહ્યું હતું કે, વિશ્વમાં મતભેદો અને વિવાદો મંત્રણા દ્વારા ઉકેલવા જોઈએ ત્યારે હિંસાનો આશ્રય લેવામાં આવે છે, તેથી આ મહાન સંસ્થાએ સચિંત અને ગંભીર રીતે વિચારણા કરવી જોઈએ, અને તે હિંસાચાર જ્યારે વ્યાપક અને તીવ્ર બને ત્યારે તો સઘન વિચારણા કરવી આવશ્યક અને અનિવાર્ય છે.

વિશેષત: રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે હિંસાનો આશ્રય લેવાથી તે દરેકને કોઈ ભેદભાવ વિના નુકસાન જ કરે છે. તેથી લાંબા સમયનો કોઈ ઉકેલ મળી શકતો નથી.

આ સાથે ૭ ઓક્ટોબરે ઈઝરાયલ ઉપર થયેલા ત્રાસવાદી હુમલાનો યદી પટેલે કહ્યું હતું કે તે હુમલાઓને વખોડી જ કાઢવા જોઈએ. ત્રાસવાદ એવું કેન્સર છે જે સીમાઓ જાણતું નથી, કે રાષ્ટ્રીયતા કે જાતિ જાણતું નથી... તેને ઉખેડી ફેંકી દેવા આપણે મતભેદો એક તરફ રાખી એક બની ઉભા રહીએ અને ત્રાસવાદ અંગે 'ઝીરો ટોલરન્સ એપ્રોચ' રાખીએ.

કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ યુનોના હમાસ-ઈઝરાયલ સંઘર્ષ વિષેના મતદાનથી ભારત દૂર રહ્યું તે માટે આઘાત અને શરમની લાગણી વ્યક્ત કરી હતી.


Google NewsGoogle News