પાકિસ્તાનમાં આતંકી હુમલો, કુર્રમ વિસ્તારમાં મુસાફરો ભરેલી વાન પર આડેધડ ફાયરિંગ, 38ના મોત
Terror Attack in Khyber Pakhtunkhwa: પાડોશી દેશ પાકિસ્તાનમાં ફરી આતંકવાદી હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ગુરૂવારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાન પર બંદૂકથી કરાયેલા ફાયરિંગમાં 38 લોકોના મોત થયા અહેવાલ છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર મળી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, હુમલો કુર્રમના પારાચિનારથી કાફલામાં જઈ રહેલી પેસેન્જર વાનને નિશાન બનાવીને કરવામાં આવ્યો. પેસેન્જર વાન જ્યારે લોઅર કુર્રમના ઓચુટ કાલી અને મંદુરીની પાસેથી પસાર થઈ ત્યારે પહેલેથી ઘાત લગાવીને બેસેલા આતંકીઓએ વાન પર અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. પેસેન્જર વાન પારાચિનારથી પેશાવર જઈ રહી હતી. હુમલાની પુષ્ટિ ખૈબર પખ્તૂનખ્વાના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ કરી.
ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ આ હુમલા બાદ જણાવ્યું છે કે, ગુરૂવારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના એક કબાયલી વિસ્તારમાં બંદૂકધારીઓએ મુસાફર વાહનો પર ફાયરિંગ કર્યું. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા.
તેમણે જણાવ્યું કે, કુર્રમ કબાયલી જિલ્લામાં થયેલા આ હુમલામાં મૃતકોમાં મહિલાઓ અને એક બાળક પણ સામેલ છે. આ એક મોટી જાનહાનિ છે અને મૃતકોની સંખ્યા વધવાની પણ સંભાવના છે.
જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનની બોર્ડર પર આવેલા કબાયલી વિસ્તારમાં જમીન વિવાદને લઈને સશસ્ત્ર શિયા અને સુન્ની સમુદાયના મુસ્લિમો વચ્ચે વર્ષોથી તણાવ ચાલી રહ્યો છે.
કોઈ સંગઠને નથી લીધી જવાબદારી
પાકિસ્તાનમાં થયેલા આ હુમલાને લઈને હજુ સુધી એક પણ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી. પરચિનારના એક સ્થાનિક નિવાસી જિયારત હુસૈને સમાચાર એજન્સી રોયટર્સ સાથે ફોન પર વાત કરતા જણાવ્યું હતું કે, પેસેન્જર વાહનના બે કાફલા હતા, એક પેશાવરથી પરચિનાર અને બીજું પરચિનારથી પેશાવર મુસાફરોને લઈ જઈ રહ્યું હતું, ત્યારે હથિયારધારી લોકોએ તેના પર ગોળીઓ વરસાવી દીધી.
કાલે પણ થયો હતો આતંકવાદી હુમલો
જણાવી દઈએ કે, બુધવારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં એક સંયુક્ત ચેક પોસ્ટ પર આતંકી હુમલામાં 12 સુરક્ષા કર્મી માર્યા ગયા હતા. હુમલાખોરોએ વિસ્ફોટક ભરેલા વાહનથી ચેક પોસ્ટને ટક્કર મારી દીધી હતી. આ દરમિયાન છ હુમલાખોર પણ માર્યા ગયા હતા.
સેનાએ આ વાતની માહિતી નથી આપી કે તેની પાછળ કોણ હતું, પરંતુ એક ઈસ્લામી સંગઠન હાફિઝ ગુલ બહાદુરે તેની જવાબદારી લીધી છે. આ હુમલો બલૂચિસ્તાન વિદ્રોહિઓ વિરૂદ્ધ મોટા પ્રમાણમાં સૈન્ય અભિયાનને મંજૂરી અપાયા બાદ થયો છે.
આ પણ વાંચો: યુક્રેન પર રશિયાનો ખતરનાક હુમલો, યુદ્ધમાં પહેલીવાર ICBM મિસાઈલો છોડી
રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ આ ઘટનાની આકરી નિંદા કરી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. પીપીપીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, 'નિર્દોષ મુસાફરો પર હુમલો કરવો કાયરતાપૂર્ણ અને અમાનવીય કૃત્ય છે.' પાર્ટીએ કહ્યું કે, 'આ ઘટના માટે જવાબદાર લોકોને દંડિત કરવા જોઈએ. આ સાથે એ પણ માગ કરી કે ઈજાગ્રસ્તોને સમયસર તબીબી સારવાર આપવામાં આવે.'