પાકિસ્તાની સેનાએ PoKમાં આતંકવાદીઓના લોન્ચ પેડ ખાલી કરાવ્યાના અહેવાલ, બંકરોમાં છુપાયા
India-Pakistan Controversy : પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ભયભીત થઈ ગયું છે. પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓને લૉન્ચ પેડમાંથી બહાર કાઢી આર્મી શેલ્ટર્સમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને આર્મી શેલ્ટર અથવા બંકરોમાં જતા રહેવા તેમજ તમામ લૉન્ચ પેડ ખાલી કરવા કહ્યું છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યા મુજબ, આતંકવાદીઓ PoK સ્થિત લૉન્ચ પેડથી ગાઇડ દ્વારા જમ્મુ-કાશ્મીરની સરહદમાં ઘૂસણખોરી કરે છે.
આતંકીઓને બચાવવા લૉન્ચ પેડનો ઉપયોગ
ભારતીય સુરક્ષા એજન્સીઓએ કેટલાક લૉન્ચ પેડની ઓળખ કરી લીધી છે. આતંકવાદીઓને લૉન્ચ પેડની મદદથી શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. સૂત્રો મુજબ, કેલ, સારડી, દુધનિયાલ, અથમુકમ, જુરા, લીપા, પછિબન, ફૉરવર્ડ કહુટા, કોટલી, ખુઈરત્તા, મંધાર, નિકૈલ, ચમનકોટ અને જાનકોટમાં કેટલાક લૉન્ચ પેડ છે, જ્યાં હેમેશા આતંકવાદીઓ હોય છે.
સરહદ પાસે ડરનો માહોલ
પહલામગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ સતત વધી રહ્યો છે. કાશ્મીરમાં LoC પાસેના રહેવાસીઓએ પોતાની સુરક્ષા માટે તમામ વ્યવસ્થા કરવાની શરુઆત કરી દીધી છે. કેટલાક વર્ષોથી સામાન્ય સ્થિતિ અને શાંતિ બાદ સરહદ પાસે તણાવ વધતાં ત્યાંના રહેવાસીઓમાં ડરનો માહોલ ઊભો થયો છે. ભારતે પીઓકેમાં કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ સ્થાનિક લોકો ચિંતિત થઈ ગયા છે.
બંને દેશો વચ્ચે તણાવ વધતાં સરહદ પાસેના રહેવાસીઓ ચિંતિત
આમ તો જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા અને ફાયરિંગની ઘટના સામાન્ય વાત બની ગઈ છે. જોકે હાલની ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ વધતાં સરહદ ધરાવતા ક્ષેત્રો કેરન, માછિલ, તંગધારના રહેવાસીઓમાં ડરનો માહોલ ઊભો થયો છે. રહેવાસીઓએ પોતાની સુરક્ષા માટે શેલ્ટર ખોલવાના શરુ કરી દીધા છે. આ ઉપરાંત તેમણે ખેતીમાં લણણી કાર્યની ઝડપી શરુઆત કરી અનાજના જથ્થાનો સંગ્રહ શરુ કરી દીધો છે.