રશિયામાં આતંકવાદી હુમલો: મૃતકોની સંખ્યા વધીને 150 થઈ, યુક્રેને કહ્યું-અમારો કોઈ હાથ નથી

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
રશિયામાં આતંકવાદી હુમલો: મૃતકોની સંખ્યા વધીને 150 થઈ, યુક્રેને કહ્યું-અમારો કોઈ હાથ નથી 1 - image


Terror Attack in Russia : રશિયાના મોસ્કોમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોનો આંકડો વધીને 150એ પહોંચી ગયો છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા 120 છે. રશિયાના સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અત્યાર સુધી 11 લોકોની અટકાયત કરાઈ છે. તપાસ કરનારી સમિતિના જણાવ્યા અનુસાર આ 11 લોકોમાંથી ચાર જણા સીધી રીતે હુમલામાં સામેલ હતા.

યુક્રેન પર કેમ છે આશંકા?

રશિયન એજન્સીઓ અને ઘણા નેતાઓનો આરોપ છે કે આ હુમલાની સીધી કડીઓ યુક્રેન સાથે જોડાયેલી છે. જો કે ISISએ નિવેદન બહાર પાડી આ હુમલાની જવાબદારી લીધી હતી. એક ખુફિયા અમેરીકન અધિકારીના જણાવ્યા અનુસાર અમેરીકન એજન્સીઓએ ખાતરી કરી છે કે આ હુમલા માટે ISIS જ જવાબદાર હતું.  

આરોપીઓની અટકાયત કરાઇ

રશિયાની તપાસ કમિટીનું કહેવું છે કે હુમલાના સામેલ ચારેય શખ્સો રશિયાના બ્રાંસ્ક વિસ્તારમાંથી ઝડપાયા હતા. આ વિસ્તાર યુક્રેનની બોર્ડરથી ઘણો નજીક છે. સ્થછાનિક સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર એફએસબીના પ્રમુખે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પકડાયેલા શખ્સો વિશે જાણકારી આપી હતી. 

યુક્રેને સંડોવણીનો કર્યો ઈનકાર 

આ હુમલો પુતિનના ફરી રાષ્ટ્રપતિ બન્યાના કેટલાક દિવસો બાદ જ થયો છે. આ હુમલો છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયામાં થનારો સૌથી ઘાતક હુમલો હતો. હુમલા બાદ તરત જ કેટલાક રશિયન સાંસદોએ યુક્રેન સામે આંગળી ચીંધી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર, મિખાઈલો પોડોલ્યાકે તેમની કોઈપણ જાતની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો હતો.

મિખાઈલોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે, 'યુક્રેને ક્યારેય આતંકવાદી પદ્ધતિઓનો ઉપયોગ નથી કર્યો. આ રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં બધું મેદાન પર નક્કી થશે.' આજે રશિયન રાજ્ય મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં ઇમરજન્સી વાહનોની લાઇન જોવા મળી હતી. 


Google NewsGoogle News