બલુચીસ્તાનમાં આતંકી હુમલો 2 સૈનિકોનાં મોત 4ને ઈજા

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
બલુચીસ્તાનમાં આતંકી હુમલો 2 સૈનિકોનાં મોત 4ને ઈજા 1 - image


- આતંકીઓ હુમલો કરી ફરાર

- ગ્વાદર જિલ્લામાં અંકારા ડેમ વિસ્તારમાં લેન્ડ માઈન્સ દૂર કરતા સૈનિકો પર ગોળીઓ વરસાવાઈ હતી

કરાંચી : અશાંતિગ્રસ્ત બલુચીસ્તાનમાં અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરી પાકિસ્તાનના ૨ સૈનિકોને મારી નાખ્યા હતા, જ્યારે અન્ય ૪ને ભારે ઈજાઓ થઈ હતી. બલુચીસ્તાનના અંકારા ડેમ એરિયા પાસેના વિસ્તારમાં પાકિસ્તાન ભૂમિદળના સૈનિકો લેન્ડ માઈન્સ શોધી તેને નિષ્ક્રિય કરી ખસેડી રહ્યા હતા ત્યારે અજાણી બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં બે સૈનિકોનાં મૃત્યુ થયા હતા જ્યારે અન્ય ૪ને ગંભીર ઈજાઓ થઈ હતી.

રવિવારે સાંજે બનેલી આ ઘટનાના અહેવાલો આજે સવારે પાકિસ્તાનનાં વર્તમાનપત્ર 'ડોન'માં પ્રસિદ્ધ થયા છે.

આ અંગે વધુ માહિતી આપતા ગ્વાદરના એસ.એસ.પી. મોહસીન ઝોઐબે આજે (સોમવારે) પત્રકારોને જણાવ્યું હતું કે, 'ગ્વાદર બંદરથી ૨૫ કિ.મી. દૂર આ ઘટના બની હતી.' તે ફાયરિંગમાં ૨ સૈનિકોનાં મૃત્યુ થયા હતા અને અન્ય ચારને ઇજાઓ થઈ હતી.

વધુમાં જાણવા મળ્યું છે કે તે હુમલાખોરોને શોધી કાઢવા વ્યાપક રીતે સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે. જોકે હજી સુધી કોઈ આતંકી જૂથે આ હુમલા અંગે જવાબદારી લીધી નથી. પરંતુ અલગતાવાદી બલુચીસ્તાન લિબરેશન આર્મી (બી.એલ.એ)એ ગ્વાદર અને આસપાસ થયેલા મોટાભાગના હુમલાઓની જવાબદારી લીધી હતી. આ બીએલએ ચીનની કાર્યવાહીનો પણ વિરોધ કરતાં કહે છે કે, 'ચીન અને પાકિસ્તાન ખનિજ સમૃદ્ધ લેવા અમારા દેશમાંથી ખનિજો લૂંટી રહ્યાં છે.'

આ પ્રતિબંધિત જૂથે ૨૪ માર્ચના દિવસે ગ્વાદર પોર્ટ ઓથોરીટી કોમ્પ્લેક્ષ ઉપર પણ હુમલો કર્યો હતો.

બલુચીસ્તાનની સરહદો ઈરાન તેમજ અફઘાનિસ્તાનને સ્પર્શે છે. આ સરહદી વિસ્તારોમાંથી જ ત્રાસવાદીઓ ઉત્પન્ન થાય છે.


Google NewsGoogle News