દરિયામાં હલચલ: ચીને યુદ્ધ જહાજ મોકલી કરી દાદાગીરી, તો જાપાને ફાઈટર જેટ મોકલી આપ્યો જવાબ
China-Japan tensions: ચીન ઘૂસણખોરી કરવાની પોતાની આદત છોડવા તૈયાર નથી. બીજા દેશોના જળ ક્ષેત્રથી લઇને ભૂમિ સુધી ચીન કબજો જમાવવાના વારંવાર પ્રયાસો કરતો રહે છે. તાજેતરમાં પણ ચીનના જહાજોએ જાપાનના જળ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. જેના પર પ્રતિક્રિયા આપતા જાપાને પણ પોતાના યુદ્ધ જહાજો અને લડાકૂ વિમાનો મોકલતા ચીનના જહાજોએ પીછેહઠ કરી હતી. આ ઘટના બાદથી ચીન અને જાપાન વચ્ચે તણાવ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.
જાપાનના વિદેશ મંત્રાલયે માહિતી આપી
ઘટના બાદ જાપાનના વિદેશ મંત્રાલયે પોતાના જળ ક્ષેત્રમાં ચીનના સર્વેક્ષણ જહાજની ઘૂસણખોરીનો આરોપ લગાવ્યો છે. આ મામલે ચીનના દૂતાવાસ માધ્યમે જાપાને ભારે વિરોધ પણ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે જાપાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત કાગોશિમા નજીક ચીનનો જહાજ દેખાયા બાદ ભારે ચિંતા વ્યક્ત કરી છે.
અગાઉ સૈન્ય વિમાને પણ ઘૂસણખોરી કરી હતી
ચીનના આ જહાજ પર જાપાની સૈન્યના જહાજો અને વિમાનોએ ચાંપતી નજર રાખી હતી. જે બાદ જહાજ પોતાના જળ ક્ષેત્રમાં પરત ફર્યો હતો. આ અગાઉ પણ ચીનનો એક સૈન્ય વિમાન જાપાનના હવાઇ ક્ષેત્રમાં ઘૂસી આવ્યો હતો. ત્યારે પણ જાપાને ભારે વિરોધ નોંધાવ્યો હતો. તાજેતરમાં જાપાનના સમુદ્રી તેમજ હવાઇ ક્ષેત્ર નજીક ચીનની વધતી ગતિવિધિઓથી જાપાનના રક્ષા મંત્રી ચિંતિત થયા છે. આવું પહેલી વાર છે જ્યારે જાપાનના હવાઇ અને જળ ક્ષેત્રમાં ચીને ઘૂસણખોરી કરી છે.
આ પણ વાંચોઃ આ દેશમાં ભયંકર દુકાળ: પેટ ભરવા હાથી-ઝિબ્રા સહિતના જાનવરોને મારવાનો આદેશ
ચીનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું
જાપાનના ભારે વિરોધ અને આંતરરાષ્ટ્રીય દબાણના પગલે ચીનના વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે કહ્યું કે, 'અમારા દેશનું કોઇ પણ દેશના હવાઇ કે જળ ક્ષેત્રનું ઉલ્લંઘન કરવાનો ઇરાદો નથી છે.' ચીનના આ નિવેદન પછી પણ જાપાને પોતાના હવાઇ તેમજ જળ ક્ષેત્રની સુરક્ષા વધારી છે. જાપાનની સેના સતત તેમના સરહદી વિસ્તારોમાં ચાંપતી નજર રાખી રહી છે અને દરેક પ્રકારની ઘૂસણખોરીનો જવાબ આપવા તૈયારી કરી રહી છે.