ચીન બાદ હવે હોંગકોંગે વધાર્યું અમેરિકાનું ટેન્શન, અમેરિકન પાર્સલ ડિલીવરી-સપ્લાય બંધ
US-Hong Kong Tariff War : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો સાથે ટ્રેડ વૉર છંછેડવી ભારે પડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. ટ્રમ્પે ગત સપ્તાહે કોઈપણ દેશને રાહત ન આપવાની જાહેરાત કરી હતી. તેમણે અમેરિકામાં આવતા 800 ડૉલરથી ઓછી કિંમતના પેકેજ પર અપાતી છૂટ બંધ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે હવે હોંગકોંગ સરકારે ટ્રમ્પના આ નિર્ણયનો ઉલ્લેખ કરી વળતો જવાબ આપ્યો છે અને અમેરિકન પાર્સલની ડિલીવરી અને સપ્લાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકાનો અયોગ્ય વ્યવહાર, ધમકી આપી રહ્યા છે : હોંગકોંગ સરકાર
હોંગકોંગ સરકારે કહ્યું કે, ‘અમેરિકા અયોગ્ય વ્યવહાર કરી રહ્યો છે, ધમકીઓ આપી રહ્યા છે અને ખોટી રીતે ટેરિફ ઝિંકી રહ્યા છે. હોંગકોંગે ટ્રમ્પ સરકારના અયોગ્ય વ્યવહાર અને ધમકાવતી હરકતોને ધ્યાને રાખી નાગરિકોને વધુ પડતી અને ગેરવાજબી ટેક્સની ચૂકવણી કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અમેરિકામાં અત્યાર સુધી નાના પાર્સલ પર કોઈ ટેક્સ લાગુ પડતો ન હતો, જોકે હવે ટ્રમ્પ સરકાર આવ્યા બાદ નાના પાર્સલ પર પણ ટેક્સ ઝિંકી દેવાયો છે.
આ પણ વાંચો : ડ્રેગન પર વિફર્યા ટ્રમ્પ: ચીન પર ટેરિફ વધારીને 245 ટકા કરાયો, હવે શું કરશે જિનપિંગ?
ટ્રમ્પ તંત્રએ 90 ટકા ટેક્સ ઝિંક્યો
અમેરિકામાં પરદેશથી આવતી 800 ડૉલર સુધીની પ્રોડક્ટ પર 90 ટકા ટેક્સ ઝીંકવાની જાહેરાત કરી છે, એટલે કે હવે જે પ્રોડક્ટ બહારના દેશોમાંથી આવશે તેના પર પ્રોડક્ટની કિંમતના 90 ટકા રકમ ચુકવવી પડશે. અગાઉ 30 ટકા ટેક્સ ઝિંકવાની યોજના હતી. આ પહેલા અમેરિકામાં પરદેશથી ઓછી કિંમતની આવતી પ્રોડક્ટો પર કોઈ ટેક્સ નહોતો, જોકે હવે ટ્રમ્પે ટેક્સ ઝિંકવાની જાહેરાત કરી છે.
ડાક ખર્ચમાં વધારો
ટ્રમ્પ તંત્રએ માત્ર ટેરિફ જ નહીં, ડાક ખર્ચ પણ વધારી દીધો છે. ડાક ખર્ચ પર 25 ડૉલર ઝિંકવાની વાતો ચાલતી હતી, જોકે હવે બીજી મેથી પહેલી જૂન વચ્ચે અમેરિકામાં પરદેશથી આવતા પ્રોડક્ટ પર 75 ડૉલર ડાક ખર્ચ ઝિંકી દેવાયો છે. પહેલી જૂન બાદ ડાક ખર્ચમાં વધુ વધારો કરાશે. પહેલા 50 ડૉલર ખર્ચ વધરવાની યોજના હતી, જોકે હવે તેને વધારીને 150 ડૉલર કરી દેવાશે.