Get The App

ઝેલેન્સ્કી સાથે શાંતિ સ્થાપવા અંગે ઘણી વાત થઈ મને ઉમેદવાર તરીકે ચૂંટાવા માટે અભિનંદનો આપ્યાં : ટ્રમ્પ

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
ઝેલેન્સ્કી સાથે શાંતિ સ્થાપવા અંગે ઘણી વાત થઈ મને ઉમેદવાર તરીકે ચૂંટાવા માટે અભિનંદનો આપ્યાં : ટ્રમ્પ 1 - image


- 'મને ફોન કરવા માટે મેં તેમનો આભાર માન્યો' : અંગત બેઠક મળશે ત્યારે યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા પ્રયત્નો કરાશે : ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'યુક્રેન-યુદ્ધમાં શાંતિ સ્થાપવા અંગે ઝેલેન્સ્કી સાથે ઘણી લંબાણપૂર્વકની વાત થઈ હતી. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે રીપબ્લિકન પાર્ટીએ મારી કરેલી વરણી માટે તેઓએ મને અભિનંદનો પણ આપ્યાં હતા. મારી હત્યાના પ્રયાસની પણ તેમણે ઉગ્ર ટીકા કરી હતી.' રીપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની થયેલી ચૂંટણી પછી યુક્રેનના પ્રમુખ વોલોદોમીર ઝેલેન્સ્કીએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરી તેઓને અભિનંદનો આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ જો અમેરિકાના પ્રમુખપદે આવશે તો યુક્રેન વિષે તેઓનો શો અભિગમ રહેશે, તે વિષે યુરોપમાં ચિંતા પ્રવર્તી રહી છે, તેવે સમયે ઝેલેન્સ્કીએ ટ્રમ્પને કરેલા ફોનનો સંદર્ભ અતિ મહત્વનો બની રહે તેમ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, મને ફોન કરવા માટે હું પ્રમુખ ઝેલેન્સ્કીની સરાહના કરૃં છું. અમેરિકાના ભાવિ પ્રમુખ તરીકે હું વિશ્વમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટે પ્રયત્નશીલ રહીશ તેનો વિશ્વાસ રાખશો. આ યુદ્ધે અસંખ્ય જીવનનો ભોગ લીધો છે. અનેક કુટુમ્બો વિખેરાઈ ગયા છે, આથી બંને પક્ષોએ સાથે બેસી તે વિવાદનો ઉકેલ લાવવો જ જોઈએ તેમ હું માનું છું.

ઝેલેન્સ્કીએ 'ટ' ઉપર જણાવ્યું હતું કે, અમે બંનેએ આ પ્રશ્નનો ઉકેલ શોધવા પરસ્પર સાથે મંત્રણા કરવા નિર્ણય કર્યો હતો.

૨૦૨૨માં યુક્રેન-યુદ્ધ શરૂ થયું ત્યારથી ટ્રમ્પ કહેતા આવ્યા છે કે, 'હું એક જ દિવસમાં આ યુદ્ધનો અંત લાવી શકું તેમ છું' પરંતુ કઈ રીતે અંત લાવી શકશે તે વિષે ટ્રમ્પે કશું કહ્યું ન હતું.

ગયા મહિને સીએનએન દ્વારા યોજાયેલી પ્રેસિડેન્શ્યલ ડીબેટમાં ટ્રમ્પે કહ્યું હતું કે યુદ્ધ અંગેની સમાધાનની શરતો પૈકીની એક શરત તે હતી કે રશિયાએ યુક્રેનનો જે વિસ્તાર હસ્તગત કરી લીધો છે તે વિસ્તાર રશિયાએ યુક્રેનને પાછો આપવો જોઈએ. પરંતુ પુતિનને તે દરખાસ્ત સ્વીકાર્ય નથી. તેઓ રશિયાએ કબ્જે કરેલા પ્રદેશો છોડવા તૈયાર નથી તો ઝેલેન્સ્કી તે વિસ્તારો હાથ કરવા કૃતનિશ્ચયી છે. આ આ કોકડું અત્યારે તો ગૂંચવાઈ ગયું છે.

વાસ્તવમાં બંને પક્ષોએ થોડું થોડું છોડવા તૈયાર રહેવું જ પડે, તો જ આ વિવાદનો ઉકેલ આવી શકે તેમ નિરીક્ષકોનું કહેવું છે.


Google NewsGoogle News