Get The App

તાલિબાનનુ સરકારી વિભાગો માટે નવુ ફરમાન, જીવિત વ્યક્તિનો ફોટો કે વિડિયો ઉતારવા પર પ્રતિબંધ

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
તાલિબાનનુ સરકારી વિભાગો માટે નવુ ફરમાન, જીવિત વ્યક્તિનો ફોટો કે વિડિયો ઉતારવા પર પ્રતિબંધ 1 - image

image : Twitter

કાબુલ,તા.20 ફેબ્રુઆરી 2024,મંગળવાર

અફઘાનિસ્તાનમાં શાસન કરી રહેલા તાલિબાન સમયાંતરે નવા નવા ફરમાન જાહેર કરતુ હોય છે. હવે એક નવા આદેશના ભાગરુપે અઢી દાયકા જૂનો એક કાયદો ફરી લાગુ કરી દેવાયો હોવાનુ કહેવાઈ રહ્યુ છે. 

આ કાયદો અફઘાનિસ્તાનના શહેર કાંધારમાં લાગુ કરાયો છે અને જે અનુસાર જીવિત વ્યક્તિનો ફોટો કે વિડિયો નહીં લઈ શકાય. સિવિલ અને લશ્કરી વિભાગના અધિકારીઓને આપવામાં આવેલા નિર્દેશમાં કહેવાયુ છે કે, સત્તાવાર અથવા બિન સત્તાવાર બેઠકોમાં જીવિત વ્યક્તિઓની તસવીરો લેવાનુ ટાળવામાં આવે. કારણકે તેનાથી ફાયદા કરતા નુકસાન વધારે છે. જોકે બેઠકોમાં લખાણ  માટે તેમજ ઓડિયો માટે પરવાનગી આપવામાં આવી છે. કાંધાર ગર્વનરના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, આ પ્રતિબંધ સરકારી વિભાગ માટે છે અને આમ જનતા પર કે મીડિયા પર તે લાગુ નહીં થાય. 

આ કાયદાએ અઢી દાયકા જૂના સમયની યાદ અપાવી છે. 1996થી 2001ની વચ્ચે અફઘાનિસ્તાનમાં ટેલિવિઝન સુધ્ધા બેન કરી દેવાયા હતા અને તે વખતે પણ જીવિત વ્યક્તિઓના ફોટા લેવા પર પ્રતિબંધ હતો. 

તાલિબાને સત્તા સંભાળ્યા બાદ જેટલા પણ નવા કાયદા લાગુ કર્યા છે તેમાંથી મોટાભાગના મહિલા લક્ષી છે.  જેમ કે નવેમ્બર 2022માં કાબુલના પાર્ક અને જિમમાં મહિલાઓની એન્ટ્રી પર રોક લગાવાઈ હતી અને ડિસેમ્બર 2022માં તાલિબાને મહિલાના યુનિવર્સિટી જવા પર પણ પ્રતિબંધ મુકયો હતો. જાન્યુઆરી 2023માં બાલ્ખ નામના પ્રાંતમાં મહિલા દર્દીઓને પુરુષ ડોકટરો પાસે સારવાર કરાવવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી હતી અને જુલાઈ 2023માં તાલિબાને એક મહિનામાં મહિલાઓના તમામ બ્યૂટી પાર્લર બંધ કરાવવાનો આદેશ લાગુ કર્યો હતો. 


Google NewsGoogle News