અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એર સ્ટ્રાઈક્સ તાલિબાને બદલો લેવાના સોગંદ લીધા
- આવી અસામાન્ય ઘટના બીજી વાર બની
- પાકિસ્તાની તાલિબાનોએ પાક.ના 16 સૈનિકોને મારી નાખ્યા : પાકિસ્તાનમાં પણ તાલિબાન જુથ પ્રબળ બની ગયું છે
ઇસ્લામાબાદ : એક અસામાન્ય ઘટનામાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક્સ કરી છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેણે અફઘાનિસ્તાનમાં રહેલા તાલિબાનોના આશ્રય સ્થાનો ઉપર જ હુમલા કર્યા છે. પરંતુ સત્ય હકીકત તે પણ છે કે, તેમાં નિર્દોષ નાગરિકો પણ માર્યા ગયા છે અને કુલ ૧૫થી વધુના મૃત્યુ પણ નોંધાયા છે. આ એર સ્ટ્રાઈક્સને લીધે તાલિબાનો સહિત સામાન્ય નાગરિકોના મૃત્યુનો આંક વધુ રહેવા સંભવ છે. તો બીજી તરફ દુનિયાની સૌથી ઝનૂની પ્રજાઓ પૈકીની એક અફઘાન પ્રજાના નેતા થઈ પડેલા તાલિબાનોએ પાકિસ્તાન ઉપર બદલો લેવાના શપથ લીધા છે. તેઓનું કહેવું છે કે આ હુમલો અફઘાનિસ્તાનનાં સાર્વભૌમત્વ પરનો હુમલો છે, તેનું વેર વાળવામાં જ આવશે.
સહજ છે કે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી જવાનો છે. અત્યારે પણ બંને વચ્ચે સંબંધો ખાટા થઈ ગયા છે.
અફઘાનિસ્તાનના ખામ પ્રેસે જણાવ્યું છે કે બરમાલા જિલ્લાનું મુર્ગ બજાર નામક નાનું ગામ તો આ હુમલમાં ખતમ થઈ ગયું છે. આથી સાચો મૃત્યુ આંક તો નક્કી થઈ શકે તેમ જ નથી.
આ ગામની આસપાસના વિસ્તારો પણ ખેદાન-મેદાન થઈ ગયા છે. હવે રાહત કાર્ય હાથ ધરાઈ રહ્યું છે. બીજી તરફ તાલિબાનોનાં સંરક્ષણ મંત્રાલયો આ હુમલાનો બદલો લેવાના શપથ લીધા છે. જો કે પાકિસ્તાની અધિકારીઓએ આ અંગે અકળ મૌન સેવ્યું છે.
પાકિસ્તાનમાં પણ 'તહેરિક-એ-તાલિબાન - પાકિસ્તાન' (ટીટીપી) પ્રબળ બની રહ્યા છે. તેમણે પાકિસ્તાનની જ સેનાની ટુકડી ઉપર હુમલો કરતાં ૧૬ સૈનિકો માર્યા ગયા છે. પર્વતોમાં આ તાલિબાનો છુપાઈ રહે છે. તેઓ પૈકી કેટલા માર્યા ગયા હશે તેનો આંક જાણી શકાયો નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાનમાં જ રહેલા તાલિબાનો, પાકિસ્તાનની સામે જ યુદ્ધે ચડયા છે. પાકિસ્તાનનું જાસુસી તંત્ર જણાવે છે કે, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સીમા પર રહેલી (કીરથાર) પર્વતમાળામાં, પશ્ચિમે અફઘાન તાલિબાનોનું શાસન છે, જ્યારે પૂર્વે તેહરિક-એ-તાલિબાન-એ- પાકિસ્તાનનું શાસન છે.
આશ્ચર્ય તો તે વાતનું છે કે એક તરફ પાકિસ્તાનના અફઘાનિસ્તાન માટેના વિશેષ દૂત મોહમ્મદ સાદિક કાબુલ ગયા હતા અને ત્યાંની તાલિબાન સરકાર સાથે વ્યાપાર-વિનિમયને કેન્દ્રમાં રાખી અનેકવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી. તે પછી માત્ર ગણતરીના જ કલાકોમાં પાકિસ્તાને આ એર સ્ટ્રાઈક કરી હતી.
માર્ચ મહિનામાં પણ આવી એર સ્ટ્રાઈક કરાઇ હતી, તે પછીની આ બીજી એર સ્ટ્રાઈક છે.