Get The App

તાલિબાને સુખદ આશ્ચર્ય સર્જ્યું, અફઘાનિસ્તાનમાં હિન્દુ અને શીખોની પડાવી લેવાયેલી જમીન પાછી આપશે

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
તાલિબાને સુખદ આશ્ચર્ય સર્જ્યું, અફઘાનિસ્તાનમાં હિન્દુ અને શીખોની પડાવી લેવાયેલી જમીન પાછી આપશે 1 - image

image : Socialmedia

Taliban Hindu Sikh Property : અફઘાનિસ્તાનમાં શાસન કરી રહેલા તાલિબાને દેશના લઘુમતી સમુદાય માટે એક સુખદ આશ્ચર્ય સર્જતો નિર્ણય લઈને દુનિયાને પણ ચોંકાવી દીધી છે. 

તાલિબાને અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુઓ અને શીખોની જમીનો પાછી આપવાનો નિર્ણય કર્યો છે. આ એવી જમીનો છે જેના પર અગાઉની અમેરિકા સમર્થક અફઘાન સરકારના શાસન વખતે કબ્જો જમાવી દેવાયો હતો તેવો તાલિબાનને દાવો છે. તાલિબાનના અધિકારીઓએ આ નિર્ણયનો અમલ પણ શરુ કરીને જમીનો પાછી લેવાની પ્રક્રિયા પણ શરુ કરી દીધી છે. તાલિબાનના ફેંસલાને ભારતની વિદેશ નીતિની સફળતા તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. 

દેશના અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર તાલિબાને  લઘુમતીઓને થયેલા અન્યાયને ખતમ કરવા માટે પહેલ કરી છે. તાલિબાન સરકારના એક અધિકારીએ કહ્યું હતું કે, ‘અમને ખબર છે કે, દેશમાં લઘુમતીઓ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને વિસ્થાપિત છે. તેમને તેમનો હક પાછો અપાવવા માટે અમે કામ કરી રહ્યા છે.’ 

આ દરમિયાન અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખોનું પ્રતિનિધિત્વ કરતા આગેવાન નરેન્દ્ર સિંહ ખાલસા પણ કેનેડાથી કાબુલ પાછા ફર્યા છે અને ભારતના અધિકારીઓનુ માનવું છે કે, ‘અફઘાનિસ્તાનમાં લઘુમતીઓ માટે આ એક હકારાત્મક સંકેત છે.’ 

તાલિબાન પ્રવક્તાનું કહેવું છે કે, ‘અગાઉની સરકારના શાસનમાં લઘુમતીઓની જે જમીનો હડપી લેવામાં આવી હતી તેને પાછી આપવા માટે એક કમિશનની રચના કરવામાં આવી છે. સાથે સાથે તેમણે અગાઉ ભંગ કરવામાં આવેલી અફઘાન સંસદના સભ્ય રહી ચુકેલા આગેવાન નરેન્દ્ર સિંહ ખાલસાની વાપસીનુ પણ સ્વાગત કર્યું છે.’ 

અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાને સત્તા આંચકી લીધી હતી ત્યારે મોટી સંખ્યામાં શીખો અને હિન્દુઓએ દેશ છોડી દીધો હતો. નરેન્દ્ર સિંહ ખાલસા પણ પહેલા ભારત સરકારની મદદથી ભારત આવ્યા હતા અને ભારતમાંથી કેનેડા જતા રહ્યા હતા. હાલમાં અફઘાનિસ્તાનની કુલ વસતીમાં હિન્દુઓ અને શીખોની વસતી એક ટકા જેટલી છે. 


Google NewsGoogle News