તાલિબાનની મુર્ખામી, અફઘાનિસ્તાનમાં પોલિયો રસી અભિયાનને અટકાવી દીધું
અફઘાનિસ્તાનમાં ગત વર્ષ પોલિયોના ૧૮ જેટલા કેસ ધ્યાનમાં આવ્યા હતા.
પોલિયો અભિયાન અટકાવવા માટે કોઇ કારણ આપ્યું નથી.
નવી દિલ્હી,૧૬ સપ્ટેમ્બર,૨૦૨૪,સોમવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું છે ત્યારથી જાત ભાતના ફતવાઓ બહાર પડે છે.મહિલાઓ,પુરુષો અને બાળકો પર અત્યાચારો વધી ગયા છે. નવાઇની વાત તો એ છે કે અફઘાનિસ્તાને પોલિયોની રસી આપવાના અભિયાનને અટકાવી દીધું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હજુ પણ બાળકો પોલીયોમાંથી મુકત થઇ શકયા ન હોવાથી પોલિયોની રસી આપવાની આવશ્યકતા છે. અફઘાનિસ્તાનમાં ગત વર્ષ પોલિયોના ૧૮ જેટલા કેસ ધ્યાનમાં આવ્યા હતા.આવા સમયે જ તાલિબાને પોલિયો ટીકાકરણ અભિયાનને અટકાવી દીધું છે. જો કે પોલિયો અભિયાન રોકવા પાછળનું તાત્કાલિક કારણ શું છે કે અંગે તાલિબાન તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
એક માહિતી મુજબ મસ્જિદ જેવા ધાર્મિક સ્થળોએ બાળકોને પોલિયો રસી આપવામાં આવતી હતી તેનો સામે તાલિબાનને વાંધો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી દુનિયામાં પોલિયોની નાબૂદી માટે અભિયાન ચાલે છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનમાં યુદ્ધ વચ્ચે પણ ગજામાં બાળકોને પોલિયો રસી આપવામાં આવી રહી છે ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાને પ્રતિબંધ મુકીને મુર્ખામીભર્યું પગલું ભર્યુ છે.