અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે સ્ટેડિયમમાં હજારો લોકો વચ્ચે હત્યાના દોષીને ફાંસી આપી
image : socialmedia
કાબુલ,તા.27 ફેબ્રુઆરી 2024,મંગળવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસકોએ હવે ધીરે ધીરે ક્રુરતાપૂર્ણ કાયદાઓનો અમલ શરુ કરી દીધો છે.
જેના કારણે દુનિયાને બે દાયકા પહેલા તાલિબાનના શાસનમાં જે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા તેવા દ્રશ્યો ફરી જોવા મળી રહ્યા છે. તાલિબાને જાહેરમાં ફાંસીની સજાનો અમલ પણ શરુ કરી દીધો છે.
ઉત્તરી અફઘાનિસ્તાનમાં શિબિરગાન શહેરમાં હત્યાના દોષી વ્યક્તિને સ્ટેડિયમમાં હજારો લોકોની વચ્ચે જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી. સજાને નજરે જોનાર વ્યક્તિએ કહ્યુ હતુ કે, ફાંસીની સજા આપતા પહેલા સ્ટેડિયમની આસપાસ આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, તાલિબાને અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વિદાય બાદ સત્તા કબ્જે કર્યા બાદ પાંચમી વખત જાહેરમાં ફઆંસી આપવામા આવી છે. તાલિબાન સરકારના અધિકારીઓએ એક નિવેદનમાં કહ્યુ છે કે, દેશની ત્રણ કોર્ટ તેમજ તાલિબાનના સર્વોચ્ચા નેતા મુલ્લા અખુંદજાદાની મંજૂરી બાદ સોમવારે ફાંસીની સજા પર અમલ કરવામાં આવ્યો હતો.
દોષી વ્યક્તિએ પોતાના જ વિસ્તારમાં રહેતા અન્ય વ્યક્તિની હત્યા કરી હતી અને કોર્ટે તેને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા ગઝની પ્રાંતમાં ગુરુવારે હત્યાના કેસમાં બે વ્યક્તિઓને ફાંસી આપવામાં આવી હતી.