Get The App

તાલિબાને પૂર્વ રાષ્ટ્રપતિ નજીબુલ્લાને ક્રૂર રીતે મારી વીજળીના થાંભલા પર લટકાવ્યા હતા

Updated: Aug 16th, 2021


Google NewsGoogle News
તાલિબાને પૂર્વ રાષ્ટ્રપતિ નજીબુલ્લાને ક્રૂર રીતે મારી વીજળીના થાંભલા પર લટકાવ્યા હતા 1 - image


- અફઘાનિસ્તાન ફરી પાછું હતું ત્યાંને ત્યાં

- નજીબુલ્લાહના ભાઈને પણ મારી નાખવામાં આવ્યો હતો

કાબુલ : તાલિબાનના લડવૈયાઓએ સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો છે. અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય છે કે વર્તમાન રાષ્ટ્રપતિ અશરફ ઘની અને ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ દેશ છોડીને ભાગી ગયા છે. ભારત, અમેરિકા અને કેનેડા પોતાના નાગરિકોને એરલિફ્ટ કરી રહ્યા છે. 

જો કે અફઘાનિસ્તાનની આવી પરિસ્થિતિ કંઈ પહેલી વખત થઈ નથી. 

૧૯૯૬માં પણ કંઇક આવી જ સ્થિતિ હતી.તે સમયે સત્તા પર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઓફ અફઘાનિસ્તાન સામ્યવાદી વિચારધારાવાળી રાજકીય પાર્ટી હતી. નજીબુલ્લાહ આ પક્ષમાં સામેલ હતા. આ પક્ષ સત્તા પર આવતા મોટાપાયા પર સોશ્યલ એન્જિનિયરિંગ થઈ. સ્ત્રીઓને તેમના અધિકાર આપવામાં આવ્યા અને ધર્મનિરપેક્ષતાની વાત કરવામાં આવી. જો કે આ સરકારના શાસનમાં લોકા સાથે બર્બરતા પણ થઈ, તેના લીધે લોકો નારાજ હતા. 

તેના પગલે સરકારની સામે લડી રહેલા મુજાહિદ્દીનોને લોકો મદદ કરવા લાગ્યા. ૧૯૮૭માં સોવિયત સંઘે જ નજીબુલ્લાહને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા. તેના પછી નજીબુલ્લાહે ફરીથી અફઘાનિસ્તાનનું બંધારણ લખાવ્યું અને અફઘાનિસ્તાનનું નામ બદલીને રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન કરી દીધું. પણ ૧૯૯૧માં સોવિયત સંઘ તૂટતા નજીબુલ્લાહને મળતી બધી મદદ બંધ થઈ ગઈ. 

તેના પછી તાલિબાનનું સર્જન થયું. તાલિબાનને પાકિસ્તાન અને અમેરિકાની મદદ મળતી રહી. તાલિબાનના લડાયકોનો બધે ડર હતો. તે ધીમે-ધીમે અફઘાનિસ્તાનના બધા શહેર પર કબ્જો કરતું ગયું. મદદની આશામાં કમ્પાઉન્ડમાં છૂપાયેલા નજીબુલ્લાહને કોઈ મદદ કરવા આગળ ન આવ્યું. તેના પછી તાલિબાન કાબુલમાં દાખલ થયું ત્યારે તેણે નજીબુલ્લાહને તેની સાથે ચાલવાનું કહ્યું. પણ નજીબુલ્લાહે તેનો ઇન્કાર કર્યો અને ન ગયા. તેમણે પોતાની સુરક્ષા માટે મદદ માંગી, પણ તે ન મળી. 

તાલિબાને તેમને ખતમ કરી દીધા.તેમને કાબુલના આરિયાના ચોકમાં એક થાંભલા પર ટીંગાડી દેવાયા. તેમને ટાંગવામાં આવ્યા તે પહેલા એક ટ્રકની પાછળ બાધીને રસ્તા પર ઘસેડવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ તેમને માથામાં ગોળી મારવામાં આવી હતી. તેમના ભાઈ શાહપુર અહમદજાઇની લાશ પણ થાંભલા પર લટકાવી દેવાઈ હતી. 


Google NewsGoogle News