તાલિબાનનું મહિલા વિરોધી મોટું ફરમાન, ઘર-ઈમારતમાં હવે બારીઓ બનાવવા પર પ્રતિબંધ
Taliban ban Windows in Building: તાલિબાનોએ મહિલાઓની આઝાદી છીનવી તેમને ઘરમાં જ રહેવા મજબૂર કર્યા બાદ હવે ઘરમાં પણ આઝાદી છીનવી લેતો કાયદો ઘડ્યો છે. તાલિબાની શાસને મહિલાઓને ઘરની દિવાલમાં જ કેદ રાખવાની સાથે તેમના માટે ખુલ્લી હવા લેવા પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. અફઘાનિસ્તાનના ઘરોમાં હવે કોઈ બારી કે ઝરુખો જોવા મળશે નહીં.
તાલિબાનનું શાસન આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકાર ખતમ થઈ રહ્યા છે. તેમના અભ્યાસથી માંડી તેમના કામ કરવા પર, પહેરવેશ સહિત તમામ બાબતો પર પ્રતિબંધો લાદવામાં આવતાં તેઓ હવે ઘરકામ પૂરતી જ સીમિત રહી છે.
હવે ઘરની ઇમારતો પર બારીઓ નહીં હોય
તાલિબાનના નવા ફરમાન મુજબ, ઇમારતો પર બારીઓ બનાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેથી મહિલાઓ હવે ઘરમાંથી બહાર જોઈ પણ શકશે નહીં. આ પ્રતિબંધ લાદવા પાછળનું કારણ જણાવતાં તાલિબાનના વડાએ જણાવ્યું કે, અશ્લીલ કૃત્યો ન બને તે હેતુ સાથે અફઘાન મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં ક્ષેત્રો અને ઇમારતો પર બારીઓ બનાવવા પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહિલાઓ માટે ખુલ્લી હવા માટે ઝરુખો પણ રાખવામાં આવશે નહીં. નગરપાલિકાના અધિકારીઓને નવા આદેશનું પાલન કરવાની કામગીરી સોંપવામાં આવી છે.
મહિલાઓ ઘરમાંથી બહાર દેખાવી જોઈએ નહીં?
તાલિબાન સરકારના પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપેલા નિવેદન અનુસાર, નવી ઇમારતોમાં બારીઓ મૂકવામાં આવશે નહીં. જેથી હવે મહિલાઓ આંગણા, રસોડાં, પાડોશી સાથે વાતચીત કરી શકશે નહીં. આનો અર્થ એ થાય છે કે, મહિલાઓ ઘરની બહાર જોઈ શકશે નહીં.
આ પણ વાંચોઃ 200 રોડ પર ચક્કાજામ, 160 ટ્રેન રદ, ખેડૂતો દ્વારા પંજાબમાં બંધના એલાનના ઊંડા પ્રત્યાઘાત
જાહેર સ્થળો પરથી મહિલાઓની ઉપસ્થિત ગુમ
અફઘાનિસ્તાનમાં ઑગસ્ટ, 2021માં તાલિબાન સત્તા પર આવ્યા બાદ મહિલાઓની જાહેર સ્થળો પર હાજરી બંધ થઈ છે. યુએન દ્વારા પણ તાલિબાનના આ જાતિ આધારિત ભેદભાવની નિંદા કરવામાં આવી છે. તાલિબાને છોકરીઓને પ્રાથમિક શિક્ષણ બાદ આગળ અભ્યાસ કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. મહિલાઓ પર નોકરી-રોજગારી તેમજ પાર્ક જેવા જાહેર સ્થળો પર પણ પ્રતિબંધ લાદ્યો છે.
મહિલાઓનો અવાજ દબાવ્યો
મહિલાઓના અવાજ પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. અમુક સ્થાનિક રેડિયો અને ટેલિવિઝન સ્ટેશનો પર મહિલાની અવાજમાં પ્રસારણ બંધ કર્યું છે. તે ગીતો પણ ગાઈ શકે નહીં. મોટેથી બોલી પણ શકતી નથી.