હોંગકોંગ અને મેકાઉના નાગરિકોની લાંબા સમયના વસવાટની અરજીઓની તાઇવાન પૂરી ચકાસણી કરશે : તાઇવાનના મંત્રી
- ચીને તેના જાસૂસોને તે બંને સ્વાયત્ત પ્રદેશમાં ઘૂસાડયા છે તેથી તાઇવાન ઘણું સાવચેત બની ગયું છે દરેક અરજી પૂરી ચકાસવામાં આવશે
તાઇપી (તાઇવાન) : તાઇવાનની 'મેઇન લેન્ડ અફેર્સ કાઉન્સીલ'ના મંત્રી ચીયુ ચુઈ ચેંગે જણાવ્યું હતું કે સામ્યવાદી ચીનના સ્વાયત્ત પ્રદેશો હોંગકોંગ અને મેકાઉના નાગરિકોની લાંબા સમયના વસવાટની અરજીઓની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવશે તેનું કારણ 'સલામતીનો સમયગાળો' લંબાવવો પડે તેમ છે.
આ પાછળનું કારણ તે છે કે, તળભૂમિ ઉપરનાં સામ્યવાદી ચીને સંભવતઃ તેના જાસૂસો તે સ્વાયત્ત પ્રદેશોમાં ઘૂસાડી દીધા હોય, તેઓ પણ મેકાઉ કે હોંગકોંગના વતનીઓ તરીકે તાઇવાનમાં ઘૂસી જઈ શકે તેમ છે. બીજી આશંકા તે પણ છે કે તેઓ તે પ્રદેશોની જનતાને તાઈવાન વિરૂદ્ધ કશું આડું-અળવું સમજાવી શકે તેમ છે.
તાઇપી જાહુ ટેકનોલોજી પાર્ક ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં ચીયુએ કહ્યું હતું કે હોંગકોંગ અને મેકાઉના વતનીઓ દ્વારા તાઇવાનમાં લાંબો સમય રોકાવા દેવાની ઉપરાંત કાયમી વસવાટ માટેની અરજીઓની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવી રહી છે. આ રીતે તે તેની તે સ્વાયત્ત વિસ્તારોની મૂળ નીતિમાં જ ફેરફાર કરવા માગે છે.
તાઈવાનમાં કાયમી વસાહત માટે ઘણાં દેશોના નાગરિકોએ અરજીઓ કરી છે, તે અરજીઓની તો ચકાસણી થાય જ છે પરંતુ મેકાઉ અને હોંગકોંગના નાગરિકોની ખૂબ ઝીણવટભરી તપાસ કરાશે કારણ કે ચીને તે પ્રદેશોમાં તેના જાસૂસો ગોઠવી દીધા છે. જેઓ જાસૂસી કરવા સાથે તે પ્રદેશોના લોકોના બ્રેઈન વોશ પણ કરે છે તેવા સૌને ચકાસીને લેવા માટે તાઈવાને નિર્ણય કર્યો છે.