સીરિયામાં બળવાખોરોનું તાંડવ, એલેપ્પો બાદ હામા પ્રાંતના 4 વિસ્તારો કબજે કર્યા, અનેક સૈનિકોની હત્યા
Syria Rebels killed Soldier: સીરિયાના બળવાખોરોએ અલેપ્પોમાં પ્રવેશ કરી શહેરના મોટા ભાગ પર કબજો કરી લીધો છે. આ સમય દરમિયાન તેઓએ ડઝનેક સીરિયન સૈનિકોને મારી નાખ્યા. તેમજ બળવાખોરોએ સીરિયન આર્મી બેઝ પર કબજો કરી લીધો છે અને ત્યાં રાખવામાં આવેલા હથિયારો પણ કબજે કરી લીધા છે. બળવાખોરોએ શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમજ હામા પ્રાંતના ચાર વિસ્તારો પણ કબજે કર્યા છે.
સેનાએ કાર્યવાહી કરી, રશિયાએ પણ સાથ આપ્યો
દરમિયાન, સરકારી સેનાએ બળવાખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને તેના સમર્થનમાં રશિયન હવાઈ હુમલામાં 20 બળવાખોરો માર્યા ગયા હોવાના સામે આવ્યું છે.
આઠ વર્ષ બાદ અલેપ્પો શેરમાં ઘુસ્યા બળવાખોરો
સીરિયાના લાંબા સમયથી ચાલતા ગૃહયુદ્ધમાં બળવાખોરો આઠ વર્ષ બાદ અલેપ્પો શહેરમાં ઘુસી આવ્યા છે. અગાઉ, ત્યાં મહિનાઓ સુધી લડાઈ ચાલતી હતી અને સરકારી સૈન્યએ બળવાખોરોને બહારના વિસ્તારોથી સરહદી ગામોમાં ભગાડી દીધા હતા. ત્યારથી આખું શહેર સેનાના નિયંત્રણમાં હતું. પરંતુ ચાર દિવસ પહેલા શરૂ થયેલી લડાઈએ અચાનક પરિસ્થિતિ બદલી નાખી.
આ પણ વાંચો: ફૂટબોલ મેચમાં હિંસા ભડકી, બે ટીમના ફેન્સ બાખડ્યાં, પ.આફ્રિકાના ગિનીમાં 100થી વધુનાં મોત
બળવાખોર જૂથોને તુર્કીનું સમર્થન
રશિયા અને ઈરાન અસદની સાથે છે, જ્યારે બળવાખોર જૂથોને તુર્કીનું સમર્થન છે. રવિવારે જોર્ડન અને ઈરાકે પણ સીરિયાને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ઈરાન એવું પણ કહી રહ્યું છે કે વિદ્રોહીઓને અમેરિકા અને ઈઝરાયેલ તરફથી મદદ મળી રહી છે.