સીરિયાના રાષ્ટ્રપતિનું વિમાન ક્રેશ થતા મૃત્યુનો દાવો! બળવા બાદ દેશ છોડી ભાગી રહ્યા હતા
Syria President Plane Crash: સીરિયામાં વધી રહેલા રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદનું વિમાન ક્રેશ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમનું વિમાન આકાશમાં 500 મીટર ઊંચે ક્રેશ થયું હતું, જેનો કાટમાળ પણ મળી આવ્યાનો દાવો કરાયો હતો.
આ પણ વાંચોઃ સીરિયામાં બળવાખોરોએ કર્યો સત્તાપલટો, બશર અલ અસદના શાસનનો અંત, વિમાન પણ રડારથી ગુમ!
બળવા બાદ પરિવાર સાથે દેશ છોડી ભાગી ગયા હતા
ઉલ્લેખનીય છે કે ક્રેશ પહેલા પ્લેન રડારથી ગાયબ થઈ ગયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના પરિવાર સાથે દેશ છોડીને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પ્લેન ક્રેશ થયું હતું. હાલમાં સીરિયામાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. બળવાખોરોના હુમલા બાદ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ પોતાના પરિવાર સાથે રાજધાની દમાસ્કસ છોડીને ભાગી ગયા હતા. તેઓ આ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે બળવાખોરોએ આ વિમાન તોડી પાડ્યું છે.
સીરિયામાં સત્તાપલટો
બાંગ્લાદેશ બાદ હવે સીરિયામાં પણ ગૃહ યુદ્ધ શરૂ થતાં બળવાખોરોએ સત્તાપલટો કરી નાખ્યો છે. સીરિયામાં બળવાખોરોએ દાવો કર્યો છે કે પ્રમુખ બશર અલ અસદના શાસનનો અંત આવી ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બળવાખોરો દમાસ્કસમાં ઘૂસ્યા બાદ સીરિયાના પ્રમુખ અસદ દેશ છોડીને અન્ય કોઈ જગ્યાએ ભાગી રહ્યા હતાં. અસદ રશિયા અથવા તેહરાન જઈ રહ્યા હોવાના અહેવાલો મળ્યા હતા.
અસદનું વિમાન પણ રડારથી ગાયબ
મીડિયા અહેવાલ પ્રમાણે બશર અલ અસદ રશિયન કાર્ગો પ્લેનમાં સીરિયાથી રવાના થઈ ગયા છે અને અસદનું વિમાન પણ રડારથી ગાયબ છે. તેમની કોઈ માહિતી નથી મળી રહી. બીજી તરફ સીરિયાના વડા પ્રધાન મોહમ્મદ ગાઝી જલાલીએ પોતાના ઘરેથી એક વીડિયો નિવેદન જારી કરીને કહ્યું કે, હું દેશમાં જ રહીશ અને સત્તાના સરળ હસ્તાંતરણ માટે કામ કરીશ.