દેશ છોડવા નહોતો માંગતો, આતંકવાદીઓના હાથમાં છે દેશ: સત્તાપલટ બાદ અસદનું પહેલું નિવેદન
Syria News : સીરિયામાં બળવાખોરોના હુમલા બાદ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ શાસનના પતન થઈ ગયું છે. અસદ હાલમાં તેમની પત્ની અસ્મા, પુત્રી ઝૈન અને પુત્રો હાફિઝ અને કરીમ સાથે રશિયામાં છે. તેમણે સીરિયામાં બળવાખોરોએ હુમલો કર્યા બાદ પ્રથમવાર નિવેદન આપી કહ્યું છે કે, ‘મારા માટે દેશ છોડવો માત્ર એક વિકલ્પ ન હતો. મારા માટે આશ્રય લેવો પણ એક વિકલ્પ ન હતો.’
પદ છોડવાનો કે આશ્રય લેવાનો ક્યારે વિચાર આવ્યો ન હતો : અસદ
તેમણે કહ્યું કે, ‘આખા સીરિયામાં આતંકવાદ ફેલાઈ ગયો હતો, આખરે તેઓ શનિવારે (સાત ડિસેમ્બર) રાજધાની દમિશ્ક સુધી પહોંચી ગયા અને રાષ્ટ્રપતિના ઠેકાણા અંગે સવાલો ઉઠવા લાગ્યા હતા. ત્યારબાદ ખોટી માહિતી પણ ફેલાવાઈ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સીરિયાને મુક્ત ક્રાંતિ દેખાડી આંતરરાષ્ટ્રીય આતંકવાદ સ્થાપવાનો હતો. આ દરમિયાન મારા મનમાં પદ છોડવાનો કે આશ્રય લેવાનો કોઈ વિચાર આવ્યો ન હતો તેમજ મને કોઈ વ્યક્તિ કે પાર્ટી દ્વારા પણ પ્રસ્તાવ અપાયો ન હતો. આ કાર્યવાહીનો એકમાત્ર ઉદ્દેશ આતંકવાદ વિરુદ્ધ લડાઈ ચાલુ રાખવાનો હતો.’ મોસ્કોમાં આશ્રય લઈ રહેલા અસદે કહ્યું કે, ‘સીરિયા પ્રત્યે ઊંડી લાગણી યથાવત્ રહેશે.’
અસદ 8 ડિસેમ્બરે સીરિયા છોડીને ભાગ્યા
ટેલીગ્રામ પર એક કથિત નિવેદનમાં અસદે કહ્યું કે, મોસ્કોએ સીરિયામાંથી તેમને બચાવવાનો અનુરોધ કર્યો હતો અને તેમણે આઠ ડિસેમ્બરના રોજ દેશ છોડવો પડ્યો.’ ઉલ્લેખનીય છે કે, અસદ સીરિયાના સૌથી પ્રભાવશાળી પરિવારોમાંથી એક છે. તેમના 24 વર્ષના શાસન પહેલા તેમના પિતા પણ 30 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા. અસદ પિતા હાફિઝ અલ-અસદ બાદ વર્ષ 2000થી સત્તામાં હતા. તેમણે સીરિયામાં ત્રણ દાયકા સુધી મજબૂત શાસન કર્યું. અસદ એક સમયે અજેય મનાતા હતા. પરંતુ અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન હયાત તહરીર અલ-શામ (HTS)એ સહયોગી જૂથો સાથે મળી સીરિયામાં અનેક હુમલા કર્યા હતા, જેના કારણે 8 ડિસેમ્બરના રોજ અસદના શાસનનો અંત આવ્યો છે.
સીરિયામાં સત્તાપલટા બાદ નવા વડાપ્રધાન તરીકે 'એન્જિનિયર' અલ બશીરની નિમણૂક
સીરિયામાં બશર અલ-અસદ શાસનના પતન પછી બળવાખોરોએ મોહમ્મદ અલ-બશીરને સીરિયાના વચગાળાના વડાપ્રધાન નિયુક્ત કર્યા છે. તેઓ 1 માર્ચ, 2025 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપશે. મોહમ્મદ અલ-બશીરનો જન્મ 1986માં ઈદલિબના જબલ ઝાવિયા પ્રદેશમાં થયો હતો. તેમણે એન્જિનિયરિંગ, કાયદાશાસ્ત્ર અને વહીવટી આયોજન જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કર્યો છે. 2007 માં તેમણે એલેપ્પો યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી હતી. અંગ્રેજી ભાષા શીખવા માટે તેમણે વિશેષ અભ્યાસ કર્યો હતો. 2021 માં તેમણે યુનિવર્સિટી ઓફ ઈદલિબમાંથી શરિયા કાનૂન વિષયમાં ડિગ્રી પણ મેળવી હતી. અભ્યાસ કર્યા બાર તેમણે સીરિયન ગેસ કંપની સાથે જોડાયેલા ગેસ પ્લાન્ટમાં એન્જિનિયર તરીકે કામ કર્યું હતું.