અરાજકતા અને અંધાધૂંધીના માર્ગે સીરીયા ? મોટા ભાગના વિપ્લવીઓ અલકાયદા ISIS સાથે સંલગ્ન છે
સીરિયામાં તે લોકો છે, જેવા અફઘાનિસ્તાનમાં હતા અને છે, માત્ર નામ બદલ્યું છે : વરિષ્ઠ પત્રકાર કમર આગાનો આક્રોશ
દમાસ્કસ: વરિષ્ઠ પત્રકાર કમર આગાએ સીરિયા ઉપર આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે, અહીં હવે તેવા લોકોનું રાજ ચાલે છે કે, જેઓ અફઘાનિસ્તાનમાં હતા અને છે પણ ખરા. અમેરિકા સાથે હાથ મેળવી તેઓ બાગી બની ગયા છે.
તેમણે બસ નામ જ બદલ્યું છે. બાકી તાલિબાનો જેવા જ રહ્યા છે. પેન્ટ-શર્ટ પહેરેલા તાલિબાનો છે. પહેલાં પશ્ચિમના દેશો અને અમેરિકા તેઓને આતંકી કહેતા હતા, હવે વિપ્લવી કહે છે. તેઓના લીડર સારી સારી વાતો કરે છે પરંતુ સીરિયા ઉપર કબજો જમાવી તેમણે જે ઉત્પાત મચાવ્યો છે તે સીરિયા ઉપર ઘેરાતાં સંકટની નિશાની છે. હવે સીરિયા કોઈના કાબુમાં નથી.
અહીં કેટલાંયે જૂથો બની ગયા છે. એક અલ કાયદા જૂથ, બીજું મુસ્લિમ બ્રધરહૂડ જૂથ, આવાં ડઝનબંધ જૂથો છે. અસદ સરકારના આર્મીએ તેમનું પોતાનું જૂથ બનાવ્યું છે. આ બધાં જૂથો હવે એકબીજા સાથે લડશે અને સીરિયા ઉપર કબજો જમાવવાનો જંગ લડશે. આઇ.એસ.આઇ.એસ. મજબૂત થશે સીરિયાના એક વિસ્તારમાં કેટલાયે સમયથી તેમનો કબજો છે. હવે તેઓ આગળ વધશે.
આ જોતાં એમ કહી શકાય કે સીરિયા બીજા ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. તેમાં સૌથી ખરાબ સ્થિતિ મહિલાઓની થવાની છે. ભલે વિપ્લવીઓના કમાન્ડર અબુ મોહમ્મદ અલ જુલાનીએ કહ્યું હતું કે તેઓ મહિલાઓને હિજાબ કે અન્ય ડ્રેસ કોડ માટે ફરજ નહીં પાડે. પરંતુ આ તો અત્યારની વાત છે. આગળ શું થશે તે કોઈ જાણતું નથી.
કમર આગા કહે છે કે, તુર્કીએ નાટોનું સભ્ય છે, અમેરિકા પર ઘણું આશ્રિત છે. તે ૨૦ કિ.મી.ના કુર્દ વિસ્તાર પર કબજો કરવા માગે છે. પરંતુ અમેરિકા તેને તેમ નહીં કરવા દે. તેથી તુર્કીઓની ઈચ્છા પૂરી થતી દેખાતી નથી.
કમર આગાએ કહ્યું ઈરાન પર ખરેખરું સંકટ તોળાઈ રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયલ બંને માને છે કે જ્યાં સુધી ઈરાન હશે ત્યાં સુધી આતંકીઓ રહેશે.
આગાએ વધુમાં કહ્યું કે ઈરાન હવે પરમાણુ શસ્ત્ર બનાવી રહ્યું છે. તેથી અમેરિકાની તેની ઉપર નજર છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ લાભ ઇઝરાયલને થયો છે. તેણે સીરિયાની અંધાધૂંધીનો લાભ લઈ, વ્યૂહાત્મક તેવી ગોલન હાઇટસ ઉપર કબજો કરી લીધો છે. તેણે સીરિયાના તેલના કુવાઓ ઉપરના તમામ સંસાધનોનો નાશ કર્યો છે. સાથે સીરિયાની ભૂમિનો કેટલોક વિસ્તાર પણ કબજે કરી લીધો છે. છતાં સીરિયામાં આતંકી જૂથો પરસ્પરમાં લડી રહ્યા છે. તો કેટલાંક જૂથો ઈરાકમાં ઘુસવાની કોશિશ કરશે. ઈરાકની સેના તેઓને અટકાવી શકે તેટલી બળવાન નથી.