રાષ્ટ્ર પ્રમુખે જ ઈઝરાયલને દેશની સિક્રેટ જાણકારીઓ લીક કરી અને દેશ છોડી ભાગ્યા, રિપોર્ટમાં દાવો
Syria News: સિરિયામાં વિદ્રોહીઓએ 8 ડિસેમ્બરે રાજધાની દમિશ્ક પર કબ્જો કરી લીધો હતો. આ પહેલાં પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બશર અલ-અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયાં. આ ઘટના બાદ રાષ્ટ્ર પ્રમુખ બશર અલ-અસદને લઈને એક મોટો દાવો કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, બશર અલ-અસદે દેશ છોડતા પહેલાં સૈન્ય જાણકારી દુશ્મન દેશ ઈઝરાયલને આપી હતી, જેથી તે સુરક્ષિત રીતે નીકળી શકે. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓએ ઈઝરાયલને હથિયાર ડિપોની જાણકારી આપી હતી. ત્યારબાદથી ઈઝરાયલ સતત એ વિસ્તારો પર બોમ્બબારો કરી રહ્યું છે.
રિપોર્ટમાં કરાયો મોટો દાવો
તુર્કીયે ન્યૂઝ પેપરના એક પત્રકાર અબ્દુલકાદિર સેલવીના જણાવ્યા અનુસાર, બશર અલ-અસદે ઈઝરાયલને હથિયાર ડિપો, મિસાઇલ સિસ્ટમ અને લડાકૂ વિમાનોના સ્થાનની જાણકારી આપી હતી, જેથી ઉડાનના સમયે તેના પર કોઈ હુમલો ન થાય. સીરિયામાં સત્તાપલટો થયા બાદ ઈઝરાયલના સીરિયાના સૈનિકોના ઠેકાણા પર હવાઈ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. અબ્દુલકાદિર સેલવીએ તેના પરથી તારણ કાઢ્યું કે, આ અહેવાલ સાચો હોવાની સંભાવના છે.
તુર્કીના અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર, બશર અલ-અસદના દેશ છોડીને ભાગવામાં ઈઝરાયલની ભૂમિકા છે તેમજ અન્યા ઘણાં પાસા જોડાયેલા છે. જોકે, આ અહેવાલમાં તેના સાથે જોડાયેલી કોઈ નક્કર માહિતી શેર કરવામાં નથી આવી. નોંધનીય છે કે, નવેમ્બરના અંતમાં સિરિયામાં વિદ્રોહી સેનાઓએ વિરોધ શરૂ કર્યો હતો. તેના થોડા દિવસ બાદ જ દમિશ્ક પર કબ્જો કરી લીધો હતો. આ દરમિયાન બશર અલ-અસદ કોઈ જાણ કર્યા વિના રશિયા ભાગી ગયાં છે, જ્યાં રાષ્ટ્રપ્રમુખ પુતિને તેમને શરણ આપી છે.
હું ભાગવા નહતો ઈચ્છતો
દેશ છોડવાને લઈને બશપ અલ-અસદે કહ્યું કે, અમુક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, હું પહેલાંથીદેશ છોડીને રશિયામાં વસવા ઈચ્છતો હતો. પરંતુ, આવા અહેવાલોમાં કોઈ સત્ય નથી. આ બધું અચાનક થયું છે. હું 8 ડિસેમ્બર સવાર સુધી મારી જવાબદારી પૂરી કરી રહ્યો હતો.