સીરિયા ફરી અખાડો બન્યું! અમેરિકા-તૂર્કી બળવાખોરોની પડખે, રશિયા પ્રમુખ અસદની તરફેણમાં
Syria Aleppo Civil War: ઇઝરાયલ અને હામાસ વચ્ચેના યુદ્ધથી શરૂ થયેલી અશાંતિએ સમગ્ર મધ્ય પૂર્વને ઘેરી લીધું છે. ઇઝરાયલ હામાસ અને હિઝબુલ્લાહ બંને સામે લડી રહ્યું છે. પરંતુ આ દરમિયાન યુદ્ધનો એક નવો મોરચો સીરિયા તરફ પણ ખુલતો જણાય છે.
રશિયાનો સીરિયાના વિદ્રોહી જૂથો હવાઈ હુમલો
સીરિયાના વિદ્રોહી જૂથોએ બશર અલ-અસદ સરકાર સામે મોરચો શરુ કરી દીધો છે. આ વિદ્રોહીઓએ અલેપ્પો સહિત દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર પર કબજો કરી લીધો છે. હવે આ બળવાખોરો હામા નજીક સીરિયન સેનાનો સામનો કરી રહ્યા છે જ્યારે રશિયા તેમના પર હવાઈ હુમલો કરી રહ્યું છે.
અલેપ્પો બાદ હામામાં પણ આતંક
અલેપ્પો બાદ હામાના ઘણા વિસ્તારો પણ કબજે કરી લેવામાં આવ્યા છે. વિદ્રોહીઓએ સીરિયન આર્મી કેમ્પ પર પણ કબજો કરીને મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કરી લીધા છે. જેના કારણે હયાત તહરિર અલ-શામના લડવૈયાઓ વધુ ઘાતક બન્યા છે. હામાના ચાર પ્રાંત કબજે કર્યા બાદ બળવાખોરો વધુ આગળ વધ્યા છે. આ દરમિયાન રશિયાએ અસદ સરકારના સમર્થનમાં હવાઈ હુમલા કર્યા છે.
સીરિયા કેવી રીતે ત્રિ-પાંખીય યુદ્ધ મોરચો બની રહ્યું છે?
2011માં, સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ થયેલા બળવાએ ગૃહ યુદ્ધનું સ્વરૂપ લીધું હતું. આ સમયગાળા દરમિયાન, મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા અને અંદાજ મુજબ, 1.2 કરોડ લોકો વિસ્થાપિત થયા હતા.
પરંતુ વિદ્રોહીઓએ હવે સીરિયાની સરકાર સામે નવો મોરચો શરુ કર્યો છે. બળવાખોર જૂથો કહે છે કે તેમનો ઉદ્દેશ્ય નાગરિકોને હવાઈ હુમલાથી બચાવવા અને તેમના પ્રદેશો પર ફરીથી દાવો કરવાનો છે. એવો આરોપ છે કે ઈરાન સમર્થિત અસદના દળોએ યુદ્ધ છેડ્યું છે. બળવાખોરો અસદને સરમુખત્યાર માને છે, જેના પર 2013માં દેશના ઘોઉટા વિસ્તારમાં કેમિકલ વેપન્સનો ઉપયોગ કરવાનો આરોપ છે. બળવાખોરો તેને સત્તા પરથી હટાવવા માંગે છે.
કોણ કોનાં પક્ષમાં ઊભું છે?
સીરિયામાં શરુ થયેલા મોરચાના રશિયા, ઈરાન, તુર્કી અને અમેરિકા મુખ્ય ભાગીદાર છે. રશિયા 2015થી અસદનું મુખ્ય સાથી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાથે ફોન પર વાત કરી છે. આ દરમિયાન બંને રાષ્ટ્રપતિઓએ સીરિયાની બશર અલ-અસદ સરકારને કોઈપણ શરત વિના સમર્થન આપવાની પ્રતિબદ્ધતા આપી છે.
તેમજ ઈરાન પણ સીરિયન રાષ્ટ્રપતિ અસદનું મુખ્ય સાથી પણ છે, જે તેને લશ્કરી અને રાજકીય સહાય પૂરી પાડે છે. ઈરાનના ટોચના રાજદ્વારી અબ્બાસ અરાઘચી તાજેતરના વિકાસની ચર્ચા કરવા રવિવારે સીરિયાની રાજધાની દમાસ્કસ પહોંચ્યા, જ્યાં તેમણે બશર અલ-અસદ સાથે મુલાકાત કરી.
જયારે તુર્કીએ સીરિયામાં વિપક્ષી જૂથોને સમર્થન આપ્યું છે. તેમજ ઉત્તર-પૂર્વ સીરિયામાં 900 અમેરિકન સૈનિકો તૈનાત છે. અમેરિકાનું સમગ્ર ધ્યાન અહીં ઈસ્લામિક સ્ટેટના પુનઃ ઉદભવ પર છે. તેમણે રશિયા અને ઈરાન પર અસદની નિર્ભરતાની ટીકા પણ કરી છે.
અમેરિકાએ કહ્યું છે કે રશિયા અને ઈરાન પર સીરિયાની નિર્ભરતા અને 2015ની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની શાંતિ યોજના પર આગળ વધવાના ઈન્કારને કારણે દેશમાં આવી સ્થિતિ સર્જાઈ છે.
સીરિયામાં બળવાખોર જૂથોનો નેતા કોણ છે?
સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકાર સામે મોરચો શરુ કરનાર ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ હયાત તહરિર અલ-શામ (HTS) એ બળવાખોર જૂથો દ્વારા હુમલાઓનું નેતૃત્વ કર્યું છે. આ સંગઠન સીરિયન સંઘર્ષમાં સામેલ થવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે.