સ્વીડનના લોકો હિબકે ચડયા, બંદૂકધારીએ ૧૧થી વધુનું ઢીમ ઢાળી કાળો કેર વરતાવ્યો
આ પ્રકારની સમૂહ હિંસા લોકોએ જોઇ ન હોવાથી ગભરાઇ ગયા
બંદુકધારી હુમલાખોરનો ઇરાદો શું હતો તે જાણી શકાયું નથી
સ્ટોકહોમ,૫ ફેબુ્આરી,૨૦૨૫,બુધવાર
સ્વીડનના ઇતિહાસમાં પ્રથમવાર સૌથી ભીષણ ગોળીબારીની ઘટનામાં ૧૧થી વધુ લોકોના મુત્યુ થતા હાહાકાર મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મરણનો આંક હજુ વધી શકે છે જેમાં હુમલો કરનાર પણ સામેલ છે. હુમલો કરનાર સ્કૂલમાં અભિયાસ કરતો સ્ટુડન્ટ હતો કે કોઇ સંગઠન સાથે સંકળાયેલો છે તે પણ જાણવા મળતું નથી. ૪ ફેબુ્આરી બનેલી આ ઘટનામાં બંદુકધારી હુમલાખોરનો ઇરાદો શું હતો તે જાણી શકાયું નથી.ઘાયલોની સ્થિતિ કેવી છે તે અંગે પણ પોલીસ જણાવી શકી નથી.
યાદ રહે થોડાક સમય પહેલા સ્વીડનમાં કુરાનનું અપમાન અને બાળવાના આરોપનો સમાનો કરી રહેલા શખ્સની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શાંત રમણીય સ્વીડનમાં અગાઉ કયારેય આ પ્રકારની સમૂહ હિંસા લોકોએ જોઇ ન હોવાથી ગભરાઇ ગયા છે. પાટનગર સ્ટોકહોમની પશ્ચિમમાં એક વયસ્ક શિક્ષા કેન્દ્રમાં ગોળીબાર થયોે હતો. સ્વીડનના કાનુનમંત્રી ગુન્નાર સ્ટોએર્મરએ પ્રતિક્રિયા આપી હતી કે આ ઘટનાએ સમગ્ર સમાજને ઝકઝોરી દીધો છે. મંગળવારે બપોરે સ્ટુડન્ટસ નેશનલ એકઝામ આપીને ઘરે જઇ રહયા હતા ત્યારે આ ઘટના બની હતી.
બાજુની ઇમારતો અને સ્કૂલના બીજા ભાગમાં રહેતા છાત્રોને ગોળીબારીની ઘટના પછી હટાવવામાં આવ્યા હતા. ઘટના પહેલા હુમલાખોરે કોઇ જે ચેતવણી કે સંકેત આપ્યા ન હતા. આ ઘટનાને આતંકવાદ સાથે કોઇ સંબંધ છે કે પછી હુમલાખોરની વ્યકિતગત માનસિક સ્થિતિ ખરાબ હતી તે અંગે તપાસ ચાલી રહી છે.સ્વીડનના એક સમાચારપત્રમાં જણાવાયું છે કે હુમલાખોર બેરોજગાર હતો અને સાવ એકલો રહેતો હતો.
તેને પરિવાર અને મિત્રો સાથે ખાસ કોઇ જ સંબંધ ન હતો.સ્વીડનની ટીવી ચેનલ ટીવી૪ના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઉંમર ૩૫ વર્ષની હતી અને તે બંદૂક રાખવાનું લાયસન્સ ધરાવતો હતો. સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટેરસને ઘટનાને વખોડીને નિદોર્ષ લોકો વિરુધની એક ક્રુર અને ઘાતક હિંસા ગણી હતી.સ્વીડનના ઇતિહાસનો સૌથી ભયાનક હુમલો છે. હુમલાખોરની મંશા શું હતી તે જલદીથી જાણવામાં આવશે.