સ્વીડનઃ મુસ્લિમ યુવકે મંજૂરી મળી હોવા છતા તોરાત અને બાઈબલને સળગાવ્યા નહીં, આપ્યો આવો સંદેશ
સ્વીડનમાં તેને અભિવ્યક્તિ વ્યક્ત કરવાની આઝાદી ગણવામાં આવી
સ્ટોકહોમ.તા.16.જૂલાઈ.2023
સ્વીડનમાં ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાન સળગાવવાની ઘટના બાદ મુસ્લિમ જગતમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.
સ્વીડનમાં તેને અભિવ્યક્તિ વ્યક્ત કરવાની આઝાદી ગણવામાં આવી હતી.જોકે તેના વિરોધમાં એક મુસ્લિમ વ્યક્તિએ યહૂદીઓના પવિત્ર ગ્રંથ તોરાત અને ખ્રિસ્તીઓના પવિત્ર ગ્રંથ બાઈબલને સળગાવવા માટે મંજૂરી માંગી હતી.સ્વીડીશ રેડિયોના કહેવા અનુસાર શનિવારે મંજૂરી આપવામાં આવી હતી.
જોકે આ મંજૂરી માંગનાર અહેમદ અલૌશે ઈઝરાયેલી દૂતાવાસની બહાર તોરાત અને બાઈબલ પોતાની બેગમાંથી લાઈટર સાથે બહાર કાઢ્યા હતા જોકે એ પછી તેણે લાઈટર ફેંકી દીધુ હતુ અને કહ્યુ હતુ કે, કોઈ પણ ધર્મના પવિત્ર ગ્રંથને સળગાવવાનો મારો ક્યારેય ઈરાદો નહોતો .એ પછી તેણે બેગમાંથી કુરાન કાઢીને કહ્યુ હતુ કે, જો તમે ખ્રિસ્તી છો તો સારી વાત છે પણ કુરાન સળગાવવુ એ અભિવ્યક્તિની આઝાદી તો નથી જ.જેમણે કુરાન સળગાવ્યુ છે તેમને સંદેશ આપવા માટે મેં પ્રતિક્રિયા આપી છે.આઝાદીની અભિવ્યક્તિની પોતાની મર્યાદા હોય છે.કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મના પવિત્ર ગ્રંથને સળગાવી ના શકે.
ઉલ્લેખનીય છે કે,સ્વીડનની કોર્ટો પહેલા પણ ધાર્મિક પુસ્તકો સળગાવવા મટે મંજૂરી આપી ચુકી છે.કોર્ટનુ કહેવુ છે કે, આ પ્રકારની મંજૂરી એ બંધારણે આપેલા અધિકારની રક્ષા સમાન છે.