સૂચીના પુત્રએ મ્યાંમાર સરકાર પર દબાણ લાવવા વિશ્વને અપીલ કરી, ૭૯ વર્ષની માતા ભોગવી રહી છે જેલવાસ
મ્યાંમારના લોકતંત્રની સ્થાપના થાય તે માટે સમર્થન ચાલુ રાખવું જરુરી
ગત જાન્યુઆરી મહિનામાં માતાના હાથે લખાયેલો પત્ર મળ્યો હતો
ટોક્યો,૧૯ જૂન,૨૦૨૪,બુધવાર
મ્યાંમારમાં સૈન્ય શાસનના અત્યાચારથી પ્રજા પીડાઇ રહી છે. લોકતંત્રની સમર્થક ગણાતી નોબેલ પારિતોષિક વિજેતા આંગ સાન સૂચીને ૨૦૨૧માં તખ્તાપલટ કરીને સૈન્ય શાસને જેલમાં પુર્યા છે. આંગ સાન સૂ ચીને ૭૯ વર્ષ પુરા થતા તેમના પુત્ર કિમ એરિસે મ્યાંમારમાં સૈન્યશાસનના જુલમ સામે હસ્તક્ષેપ કરવા દુનિયાના દેશોને વિનંતી કરી છે.
એક જાપાની મીડિયાને સાક્ષાત્કાર દરમિયાન એરિસે જણાવ્યું હતું કે પોતાની માતાને કયાં સ્થળે રાખવામાં આવી છે તે અંગે ચોક્કસ જાણવા મળતું નથી. માતાના સમર્થકોને કયારેક એવું જાણવા મળે છે કે સૂ ચી ને જેલમાંથી બહાર કાઢીને નજરકેદ રાખવામાં આવી છે,
ત્યાર પછી જાણવા મળે છે કે સમાચાર ખોટા છે. હાલમાં માનવું છે કે માતાને નેપિદોની જેલમાં રાખવામાં આવી રહી છે. સેના દ્વારા ચલાવવામાં આવતા અનૌપચારિક ખટલામાં ભ્રષ્ટાચાર સહિતના ખોટા આરોપો મઢીને અનેક વર્ષોની જેલની સજા સંભળાવાઇ છે. માતાને ઉંમરના લીધે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ છે. તેના માટે વિટામીન,દવાઓ અને ખાધ્ય સામગ્રી મોકલવા પ્રયાસ કર્યો હતો.
ગત જાન્યુઆરી મહિનામાં માતાના હાથે લખાયેલો પત્ર મળ્યો હતો. સાડા ત્રણ વર્ષમાં પ્રથમવાર પત્ર મળતા પુત્ર તરીકે ખૂબજ ભાવવિભોર થઇ જવાયું હતું. એરિસ વધુમાં જણાવ્યું હતું કે જાપાન સહિત દુનિયાના દેશોએ મ્યાનમાંર સરકાર પણ દબાણ લાવવું જોઇએ. મ્યાંમારના લોકતંત્રની સ્થાપના થાય તે માટે સમર્થન ચાલુ રાખવું જરુરી છે.