ટ્રમ્પ સમક્ષ શરણાગતી સ્વીકારો નહીં તો કશું જ બચી શકશે નહીં
ઈરાનના અધિકારીઓએ ખામેનઇને ચેતવણી આપી
પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા સાથે તંગદિલીથી ઈરાનના ટોચના અધિકારીઓ હવે ચિંતામાં
આ મંત્રણા અંગે એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે, પહેલાં તો ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખામેનઇને પહેલાં તો પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા સાથે કોઈ સમજૂતી કરવાના પક્ષમાં ન હતા. પરંતુ ઈરાની અધિકારીઓએ તેમને ચેતવ્યા કે જો આપણે ટ્રમ્પ સમક્ષ શરણાગત નહીં થઈએ તો આપણી પાસે કશું બચશે નહીં, સરકાર તો જશે જ પરંતુ તેવી તબાહી થશે કે તેમાં આપ પણ કદાચ આ દુનિયામાંથી મુક્ત થઈ જશો.
ન્યૂયોર્ક ટાઇમ્સે આ અહેવાલ પ્રસિદ્ધ કરતાં જણાવ્યું હતું કે, ઈરાની સંસદ અને ન્યાયપાલિકાના અગ્રણીઓએ ખામેઈનીને આગ્રહપૂર્વક કહ્યું હતું કે જો અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સૈન્ય કાર્યવાહી રોકવી હોય તો મંત્રણા અનિવાર્ય છે, તેમાં જો મંત્રણા અસફળ રહેશે તો ફોર્દો જેવા પરમાણુ સંકુલો પરનો હુમલો નિશ્ચિત બની જશે.
પ્રમુખ મસૂદ પેઝેશ્કિયને પણ ખામેઇનને કહ્યું કે દેશની આર્થિક અને આંતરિક સ્થિતિ હવે યુદ્ધ સહન કરી શકે તેમ નથી. ઈરાની અધિકારીઓનાં દબાણને લીધે ખામેઇન પરમાણુ કાર્યક્રમ અંગે મંત્રણા કરવા તો તૈયાર થયા છે, પરંતુ કેટલીક શરતો પણ રાખી છે જેમાં ઈરાન કેટલીક હદ સુધી યુરેનિયમ સંવર્ધન કમ કરવા તથા તેની ઉપર નજર રાખવા દેવા માટે તૈયાર છે, પરંતુ મિસાઇલ કાર્યક્રમ અંગે મંત્રણા કરવા તૈયાર નથી, તે તેની સંરક્ષણ નીતિનો ભાગ છે. પરંતુ તે મુદ્દો જ અમેરિકા માટે ડીલ-બ્રેકર બની શકે તેમ છે, વિશ્વ બંને વચ્ચે ઉડતા તણખા અધ્ધરશ્વાસે જોઈ રહ્યું છે.