''ઇમરાન ખાનને'' માફી અપાશે તેવો સ્પષ્ટ સંકેત બિલાવલ ભૂટ્ટોએ આપતાં આશ્ચર્ય અને આનંદ
- મિલીટરી કોર્ટે ઈમરાન ખાનને ફાંસીની સજા કરે તો પણ પ્રમુખપદે રહેલા બિલાવલના પિતા આરીફઅલી ઝરદારી 'માફી' આપી શકે
ઇસ્લામાબાદ : પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભૂટ્ટો ઝરદારીએ ગઈકાલે (બુધવારે) સાંજે એવો સંકેત આપ્યો હતો કે જો મિલિટરી કોર્ટ તેઓને તકસીરવાન ઠરાવી ફાંસીની સજા પણ કરે તો પણ સંવિધાનના ઉલ્લેખ પ્રમાણે તેઓને માફી પણ મળી શકે.
સંરક્ષણ મંત્રી ખ્વાજાં આસિફ અને અન્ય ઊચ્ચ અધિકારીઓએ ગયા મહિને કહ્યું હતું કે, ૭૧ વર્ષના પાકિસ્તાન-તહેરિક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના સ્થાપક ઇમરાનખાન ઉપર તા. ૯મી મે, ૨૦૨૩ના દિવસે તેમના પક્ષના કાર્યકરો અને સમર્થકોએ એક લશ્કરી મથક ઉપર હુમલો કરી તેનાં મકાનમાં તોડફોડ કરી હતી, કારણ કે તે દિવસે જ સવારે ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી, જેથી તે બધા ઝનૂને ચઢ્યા હતા, અને આ તોડફોડ કરી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં ૩૬ વર્ષના આ નેતાને પૂછવામાં આવ્યું કે, ઇમરાન ખાન ઉપર કોર્ટ-માર્શલ દ્વારા (લશ્કર-અદાવતમાં) સજા ફરમાય તો તે વિષે તમારા શા પ્રતિભાવો છે ? તેનો ખૂબ જ ગોઠવીને ઉત્તર આપતાં બિલાવલ ઝરદારીએ કહ્યું હતું કે, પહેલાં તો અમારે પુરાવાઓ પૂરેપૂરા તપાસવા જોઈએ. જોકે તેઓને માફી આપવાનો તો અધિકાર (પ્રમુખ પાસે) છે જ. આમ છતાં હું અંગત રીતે તેમજ મારી પાર્ટી દેહાંત દંડની તો સજાના વિરોધી છીએ જ.
આ કહ્યું તે સમયે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીના મનમાં તેઓના પિતા આસિફ અલી ઝરદારીને સંવૈધાનિક રીતે જ કોઈ પણ ગુનેહગારને માફી આપવાનો અધિકાર ઘૂમરાતો જ હશે તે સહજ રીતે સમજી શકાય તેમ છે.