Get The App

સુનીતાનું અવકાશથી આગમન : અંતે સૌ સારાવાના

Updated: Mar 20th, 2025


Google News
Google News
સુનીતાનું અવકાશથી આગમન : અંતે સૌ સારાવાના 1 - image


- અવકાશમાં સળંગ 286 દિવસ પસાર કરનારી પ્રથમ મહિલા અવકાશયાત્રી

- સ્પેસ સ્ટેશનમાં 900 કલાક રિસર્ચ, 150થી વધુ પ્રયોગો સાથે સુનીતાએ કુલ 62 કલાકની 9 સ્પેસવોક કરી

- સુનીતાને પરત લાવનાર સ્પેસક્રાફ્ટ પ્રતિ કલાક 28,800 કિ.મી.એ પૃથ્વીના વાતાવરણમાં દાખલ થયું

કેપ કેનવેરેલ : આખા વિશ્વની સાથે ભારતનો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતનો જીવ પડીકે બંધાયો હતો ત ભારતીય મૂળની ગુજરાતની વતની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ સ્પેસમાંથી ભલે સમુદ્રમાં ખાબકી, પણ નવ મહિના પછી તેનું ધરતી પર  સફળ પુનરાગમન થયું ખરું. તેની સાથે સહ અવકાશયાત્રી વિલ્મોર પણ ધરતી પર પરત ફર્યા છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફક્ત આઠ દિવસ માટે ગયેલા  બંને નવ મહિનાનો સમય સ્પેસમાં વીતાવીને પરત આવ્યા છે. સુનીતા સહીસલામત પરત ફરતા ગુજરાતમાં પણ ખાસ કરીને સુનીતાના ગામ ઝૂલાસણવાસીઓએ નિરાંતનો શ્વાસ લીધો છે, હાશ છેવટે તેમની પૂજા ફળી ખરી. 

પ્રસવની પીડાના પણ નવ મહિના હોય છે તે જ રીતે સુનીતા વિલિયમ્સે પણ સ્પેસમાં નાનું બાળક માતાના ગર્ભમાં નવ મહિના રહે તેમ વજનવિહીન અવસ્થામાં ગાળીને ધરતી પર પગ મૂક્યો ત્યાર બાળક જન્મીને બહાર આવે તેમ ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણનો અનુભવ કર્યો હતો.

સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને સ્પેસેક્સની કેપ્સ્યુલ્સમાંથી બહાર લાવવામાં આવ્યા ત્યારે તે થોડો સમય ઊભા રહી શક્યા અને સંતુલન જાળવી ન શકતા હોવાથી તેમને તરત જ સ્ટ્રેચર પર જ લઈ જવામાં આવ્યા હતા. તેઓની તબીબી ચકાસણી કરીને ધીમે-ધીમે ધરતી પરના ગુરુત્વાકર્ષણમાં ચાલવાની પ્રેક્ટિસ કરાવાશે. પછી સંપૂર્ણ તબીબી ચકાસણી પછી ઘરે જવા રજા અપાશે. વિલિયમ્સ અને વિલ્મોરે સ્પેસમાં ૨૮૬ દિવસ વીતાવ્યા હતા. આ સાથે સુનીતા નાસા તરફથી સ્પેસમાં કુલ ૬૦૬ દિવસ વીતાવનારી બીજા નંબરની મહિલા અવકાશયાત્રી બની છે. જ્યારે સ્પેસમાં કુલ ૬૭૫ દિવસ વીતાવી પ્રથમ નંબરે પેગી વ્હિટસન  આવે છે. 

આ સમયગાળા દરમિયાન તેઓએ પૃથ્વીને  ૪,૫૭૬ વખત પૃથ્વીનો ચકરાવો લીધો હતો અને કુલ ૧૯.૫ કરોડ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. બોઇંગના સ્ટાર લાઇનરની નિષ્ફળતાના કારણે અવકાશમાં ફસાઈ જનારા વિલિયમ્સ-વિલ્મોર ફક્ત અમેરિકા જ નહીં વિશ્વમાં ઘેર-ઘેર જાણીતું નામ બની ગયા હતા. તેનું કારણ એ હતું કે બીજા અવકાશયાત્રીઓની તુલનાએ આ બંનેએ લાંબા સમય સુધી અનિશ્ચિતતાની સ્થિતિમા જીવવું પડયું હતું. 

આના લીધે બંને માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મહેમાનમાંથી યજમાન બનવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન તેઓએ ૯૦૦ કલાકનું રિસર્ચ કર્યુ હતુ, ૧૫૦ જેટલા પ્રયોગો કર્યા હતા. સુનીતા વિલિયમ્સે આમાં ૬૨ કલાક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર કાઢ્યા હતા અને કુલ નવ સ્પેસ વોક કરી હતી. આમ તેણે સૌથી વધુ સ્પેસવોક કરનારી મહિલા અવકાશયાત્રીનો રેકોર્ડ બનાવ્યો છે. 

વિલિયમ્સ-વિલ્મોરની ઇન્ટરનેશનલ સ્પેસ  સ્ટેશનમાંથી ધરતી પર પરત ફરવાની મુસાફરી ૧૭ કલાકની હતી, પરંતુ તેમા સૌથી નિર્ણાયક ક્ષણ હોય તો તે એ સાત મિનિટ હતી જ્યારે સ્પેસક્રાફ્ટ પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય છે. આ સમયે સ્પેસક્રાફ્ટની સ્પીડ પ્રતિ કલાક ૨૮,૮૦૦ કિ.મી.થી પણ વધુ હતી. તેથી વાતાવરણના ઘર્ષણના લીધે સ્પેસક્રાફ્ટના બહારના હિસ્સાનું તાપમાન ૧૬૦૦ ડિગ્રીએ પહોંચી ગયું હતું. તેના લીધે સ્પેસક્રાફ્ટ ઉતરતું હતું ત્યારે થોડો સમય તો જાણે આગનો ગોળો હતુ. આ સમયગાળા દરમિયાન તેનો કંટ્રોલ સ્ટેશન સાથે પણ સંપર્ક તૂટી જાય છે.  આ સાત મિનિટ જો સ્પેસક્રાફ્ટ ન જાળવી શક્યું તો સમજવાનું તે બ્લાસ્ટ થઈ જાય છે.૨૦૦૩માં  અમેરિકન સ્પેસ શટલ કોલંબિયા સાથે આવું જ બન્યું હતું અને તે આગનો ગોળો બની ગયું હતું. તેમા ભારતીય મૂળની અવકાશયાત્રી કલ્પના ચાવલાનું મોત થયું હતું.  સ્પેસક્રાફ્ટમાં લાગેલી હીટશીલ્ડના લીધે પરત ફરેલા ચારેય અવકાશયાત્રીઓને ઊની આંચ આવી ન હતી. 

વિલિયમ્સ-વિલ્મોર સ્પેસમાં ફસાયા હતા તો અમેરિકામાં તેમને લઇને બાઇડેન અને ટ્રમ્પ વચ્ચે રાજનીતિ શરુ થઈ ગયા હતા. જો કે બંને જણા રાજકારણમાં પડયા વગર સતત નાસાના  સ્પેસ પ્રોગ્રામના સમર્થનમાં રહ્યા હતા. સુનીતાના પરત ફરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે મેં  તેઓને વહેલામાં વહેલી તકે પરત લાવવા વચન આપ્યું હતું અને તે પૂરું કર્યુ. તેની સાથે ટ્રમ્પે મસ્કનો આભાર માન્યો હતો. 

વિલિયમ્સ અને વિલ્મોર બંને નેવી કેપ્ટન હતા અને બંનેએ સ્પેસમાં વધારે સમય આ રીતે વીતાવવો પડયો તેની સામે તેમને કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું. 

વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ તેજલ શાહે બંનેની સહીસલામત ઘરવાપસી માટે અમેરિકાના ૨૧ હિંદુ મંદિરોમાં પ્રાર્થના રાખી હતી. આમ ભારત જ નહીં અમેરિકામાં પણ બંને સહીસલામત ફરે તે માટે પ્રાર્થના થતી હતી.

Tags :
Sunita-WilliamsSuccessful-return-to-Earth

Google News
Google News