સુનિતા વિલિયમ્સ અવકાશમાં કેમ અટવાઈ ગયા, હજુ મહિનાઓ સુધી ત્યાં રહેવું પડી શકે, પાછા લાવવા NASA શું કરે છે

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
Indian-origin astronaut Sunita Williams file pic
Image : Twitter

Sunita Williams: 6 જૂન 2024ના રોજ બોઇંગ સ્ટારલાઇનરમાં અવકાશગમન કરનાર ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાઈ ગયાં છે. મૂળ તો આ મિશન આઠ જ દિવસનું હતું. 14 જૂને એમનું ધરતી પર પાછા આવવાનું નક્કી હતું, પણ અવકાશયાનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે મિશન શરૂ થયાને હવે 24 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ એમના પાછા ફરવાના કોઈ વાવડ નથી. સુનિતા સાથે એમના સહ-અંતરિક્ષયાત્રી બેરી વિલ્મોર પણ ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’(ISS)માં અટવાયેલા છે. અનપેક્ષિત ટેકનિકલ ખરાબીને કારણે આ મિશન ખોરંભે ચડ્યું છે. 

કઈ ટેકનિકલ ખરાબી નડી ગઈ? 

બોઇંગ કંપની દ્વારા બનાવાયેલું ‘બોઇંગ સ્ટારલાઇનર’ રિયુઝેબલ (ફરી ફરી વાપરી શકાય એ) પ્રકારનું અવકાશયાન છે. એનો વપરાશ અંતરિક્ષયાત્રીઓને ISS સુધી લઈ જવા અને પરત લાવવા માટે થવાનો છે. એના પહેલા જ મિશનમાં સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર ઉપડ્યા હતાં. પણ, ISS તરફ જતી વખતે જ સ્ટારલાઇનરની પ્રોપલ્શન સિસ્ટમમાં હિલિયમ લીક અને થ્રસ્ટર આઉટેજની સમસ્યાઓ સર્જાઈ હતી. ISS સુધી હેમખેમ પહોંચી તો જવાયું, પણ હવે સમસ્યાનું પાકું સમાધાન ન કરાય ત્યાં સુધી પાછા ફરવાનું સાહસ કરાય એમ નથી. અવકાશયાનના તળિયે એક નળાકાર જોડાણ છે, જેને સર્વિસ મોડ્યુલ કહેવાય છે. આ સર્વિસ મોડ્યુલ જ ઉડાન દરમિયાન અવકાશયાનને મોટાભાગની શક્તિ પ્રદાન કરે છે. સ્ટારલાઇનરમાં આ સર્વિસ મોડ્યુલમાં જ ખામી સર્જાઈ હતી.

શું કરી રહી છે નાસા?

અમેરિકી અવકાશ સંસ્થા નાસા સ્ટારલાઇનરની સમસ્યાઓ સુલઝાવીને બંને અંતરિક્ષયાત્રીઓને ધરતી પર પાછા લાવવા કટિબદ્ધ છે અને એ માટેના ભરચક પ્રસાસો કરાઈ રહ્યા છે. જરૂર પડ્યે નાસા સ્ટારલાઈનરના મિશનની અવધિ મહત્તમ 90 દિવસ સુધી લંબાવવા માટે પણ તૈયાર છે. નાસા દ્વારા જણાવ્યું છે કે, સ્ટારલાઇનરમાં ખરેખર કયા કારણસર સમસ્યા સર્જાઈ એ અમારા એન્જિનીયર્સ હજુ સુધી સમજી શક્યા નથી. એ સમજવા માટે તેઓ ન્યૂ મેક્સિકોમાં જમીની પ્રયોગ (ગ્રાઉન્ડ ટેસ્ટ) કરી રહ્યા છે. સમાધાન મળતાં જ એને અમલમાં મૂકવામાં આવશે અને સ્ટારલાઇનરના વળતા પ્રવાસની તૈયારી શરૂ કરી દેવામાં આવશે. 

સર્વિસ મોડ્યુલમાં શુ સમસ્યા સર્જાઈ

‘સર્વિસ મોડ્યુલ’માં શું સમસ્યા સર્જાઈ છે, એ જાણવું નાસા માટે જરૂરી છે, જેથી ભવિષ્યમાં અન્ય મિશનમાં આવી આપદા ટાળી શકાય. તકલીફ એ છે કે સર્વિસ મોડ્યુલ સલામત રીતે ધરતી પર પાછું ફરતું નથી. પૃથ્વી વાતાવરણમાં પુનઃપ્રવેશ કરતી વખતે અતિશષ ઘર્ષણ સર્જાતું હોય છે અને એમાં સર્વિસ મોડ્યુલ બળીને રાખ થઈ જતું હોય છે. માટે એની ખામીઓને લગતું જે કંઈ સંશોધન કરવાનું છે એ અવકાશમાં જ કરવું પડે એમ છે. માટે નાસાએ સ્ટારલાઇનરને ISS સાથે જોડીને, કહો કે ISS પર ‘પાર્ક કરીને’ રાખ્યું છે. 

અવકાશમાં શું કરી રહ્યાં છે સુનિતા વિલિયમ્સ?

સમસ્યાનું સમાધાન મળશે ત્યારે મળશે, પણ એ તો નક્કી છે કે ત્યાં સુધી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જ રહેવું પડશે. નાસાએ જણાવ્યું હતું કે બંને અંતરિક્ષયાત્રી સલામત છે અને અંતરિક્ષયાત્રીનો જે પ્રકારનો રુટિન હોય છે એ પ્રકારે જ સમય પસાર કરી રહ્યા છે. શુક્રવારે તેમણે સ્પેસ બોટની (અવકાશમાં ઉગાડાતા છોડ-વનસ્પતિ) સંબંધિત કાર્ય કર્યું હતું.

સુનિતા વિલિયમ્સ અવકાશમાં કેમ અટવાઈ ગયા, હજુ મહિનાઓ સુધી ત્યાં રહેવું પડી શકે, પાછા લાવવા NASA શું કરે છે 2 - image


Google NewsGoogle News