Get The App

સુનિતા વિલિયમ્સે કહ્યું, અમે અહીં મજામાં છીએ : જુલાઇના અંતમાં ઘરે પાછાં આવી જઇશું

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
સુનિતા વિલિયમ્સે કહ્યું, અમે અહીં  મજામાં છીએ : જુલાઇના અંતમાં ઘરે પાછાં આવી જઇશું 1 - image


- અંતરિક્ષમાંથી પત્રકાર પરિષદનું આયોજન થયું

- નાસા અને  બોઇંગ બંને  બધી ટેકનિકલ સમસ્યાનો ઉકલ લાવવા પ્રયાસ કરે છે  

કેપ કેનાવેરલ : અમને  પૂરો વિશ્વાસ છે કે બોઇંગ કંપનીની સ્પેસ કેપ્સુલ દ્વારા અમે બહુ જલદી , એટલે કે ૨૦૨૪ના જુલાઇના અંત સુધીમાં પૃથ્વી પર સંપૂર્ણ સલામતીથી પાછા આવી જઇશું.

અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના ટેસ્ટ પાઇલોટ બુચ વિલમોર અને ભારતીય મૂળનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ૨૦૨૪ની ૧૦,જુલાઇએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇ.એસ.એસ.)માંથી પત્રકારો સાથે વાતચીત કરતાં આવો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો. 

પૃથ્વીથી ૪૦૦ કિલોમીટરના દૂરના અંતરિક્ષમાં ગોળ ગોળ ઘુમતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી સુનિતા વિલિયમ્સે અને બુચ વિલમોરે  પહેલી જ વખત ન્યુઝ  કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.  સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ૨૦૨૪ના જૂનમાં બોઇંગની ન્યુ સ્ટારલાઇનર કેપ્સુલ દ્વારા આઇ.એસ.એસ.માં ગયાં છે.

સુનિતા વિલિયમ્સે અને બુચ વિલમોરેએ કહ્યું હતું કે ખરેખર તો અમે ઘણાં સપ્તાહ પહેલાં જ પૃથ્વી પર  પાછાં આવી જવું જોઇતું હતું..આમ છતાં બોઇંગ કંપનીની ન્યુ સ્ટારલાઇનર કેપ્સુલમાં હિલિયમનું ગળતર થવાથી અને તેના થ્રસ્ટરની કામગીરીમાં ટેકનિકલ અવરોધ સર્જાતાં અમને બંનેને અહીં આઇ.એસ.એસ.માં આવવામાં વિલંબ થયો હતો. હવે અમે બંને અહીં આઇ.એસ.એસ.માં નાછૂટકે  રોકાઇ ગયાં છીએ.  જોકે એક વખત પૃથ્વી પરના  થ્રસ્ટરનું વૈજ્ઞાાનિક પરીક્ષણ થઇ જાય ત્યારબાદ અમે વહેલી  તકે પૃથ્વી પર પાછાં  આવી જ જઇશું.

બંને અવકાશયાત્રીઓએ ઉત્સાહ સાથે કહ્યુ હતું કે અમને પૃથ્વી પર પાછાં આવવામાં વિલંબ થયો હોવાની કોઇ જ જાતની ફરિયાદ નથી.અમે અહીં આઇ.એસ.એસ.માં ભરપૂર મોજમસ્તી કરી રહ્યાં છીએ. સાથોસાથ અમે આઇ.એસ.એસ.નાં ક્રૂ મેમ્બર્સને મદદરૂપ પણ બની રહ્યાં છીએ. 

નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ ડાયરેક્ટર  સ્ટિવ સ્ટિચે એવી માહિતી આપી હતી કે બોઇંગ સ્ટાર લાઇનરનાં બંને અવકાશયાત્રીઓ મોડામાં મોડાં જુલાઇના અંત સુધીમાં પૃથ્વી પર સલામતીપૂર્વક પાછાં આવી જશે. સ્પેસ --એક્સ ૨૦૨૪ના ઓગસ્ટના મધ્યમાં તેની બીજી ટીમને અંતરિક્ષમાં મોકલે તે પહેલાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલિમોર ચોક્કસ પૃથ્વી પર પરત આવી જશે. જોકે આ ટાઇમ ટેબલમાં પણ ફેરફાર થઇ શકે છે. 

નાસાએ અને બોઇંગે આ સપ્તાહે મેક્સિકોમાં સ્ટાર લાઇનરના  થ્રસ્ટરની ટેકનિકલ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યો છે. ખરી ટેકનિકલ સમસ્યા તો પ્રપલ્ઝન સિસ્ટમ(અવકાશયાનને અંતરિક્ષમાં આગળ લઇ જવા માટે ધક્કો મારતી ટેકનિકલ યંત્રણા)માં છે.  ગમે તે કહો, બંને  અવકાશયાત્રીઓને પૃથ્વી પર સંપૂર્ણ સલામતીથી પાછાં લાવવા માટે બધી વ્યવસ્થા થઇ રહી છે.


Google NewsGoogle News