અંતરિક્ષથી માઠા સમાચાર આવ્યા, સુનિતા વિલિયમ્સની વાપસીમાં હજુ મોડું થશે, NASAએ પ્લાન બદલ્યો
Sunita Williams return from Space Delayed: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર અટવાયેલા નાસાની ભારતીય અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર પરત ફરવાની આશાને ફરી એક ઝટકો લાગ્યો છે. નાસાનું કહેવું છે કે બંને અવકાશયાત્રીઓએ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પાછા ફરવા માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે.
સ્ટારલાઈનરમાં ટેકનિકલ ખામીના કારણે પરત ફરવાનું અટક્યું
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે આ વર્ષે 5 જૂને બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં સ્પેસ સ્ટેશન માટે પરીક્ષણ ઉડાન ભરી હતી. બંને 6 જૂનના રોજ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ એક અઠવાડિયા પછી પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ સ્ટારલાઈનરમાં ટેકનિકલ ખામીના કારણે તેમનું પરત ફરવાનું બંધ રહ્યું હતું.
ફેબ્રુઆરી, 2025માં પાછા લાવવાની હતી યોજના
નાસા અને સ્પેસએક્સ ફેબ્રુઆરીમાં ક્રૂ-10 મિશન લોન્ચ કરવાના હતા. જેમાં હવે વિલંબ થશે. કારણ કે આ મિશન માટે નવા ડ્રેગન સ્પેસક્રાફ્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કેપ્સ્યુલમાં ચાર લોકો સ્પેસ સ્ટેશન પર જશે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે સ્પેસક્રાફ્ટના ફેબ્રિકેશન, એસેમ્બલી, ટેસ્ટિંગ અને અંતિમ ઇન્ટીગ્રેશનમાં થોડો સમય લાગે છે. સુનીતા અને બૂચને વધુ એક મહિનો સ્ટેશન પર રોકાવું પડશે
સુનિતા વિલિયમ્સની પરત ફરવામાં કેમ થયો વિલંબ?
બોઈંગ સ્ટારલાઈનરમાં હિલીયમ લીક અને થ્રસ્ટરની સમસ્યાને કારણે સુનિતા વિલિયમ્સને પરત ફરવામાં વિલંબ થયો છે. જો કે સુનીતા અને વિલ્મોર બંને સ્પેસ સ્ટેશન પર હાજર છે. સ્વસ્થ છે. સંશોધન કરી રહ્યા છે તેમજ બાકીના અવકાશયાત્રીઓને વિવિધ કાર્યોમાં મદદ કરી રહ્યા છે.
શું તેઓ સ્પેસ સ્ટેશનમાં વધુ ત્રણ મહિના પસાર કરી શકશે?
સુનીતા અને બૂચ વિલ્મોરને કોઈ ખતરો નથી. આ બંને સ્પેસ સ્ટેશન પર આગામી ત્રણ મહિના આરામથી વિતાવી શકશે. હાલમાં સ્પેસ સ્ટેશન પર 9 અવકાશયાત્રીઓ હાજર છે. આ પહેલીવાર નથી જ્યારે અવકાશયાત્રીઓને તેમની યાત્રા લંબાવવી પડી હોય. જોકે, સ્ટેશન પર સુનીતાનું આ પહેલું અણધાર્યું લાંબું રોકાણ હશે.