સુનિતા વિલિયમ્સ સહિતના અંતરિક્ષ યાત્રીઓને બચાવવા ફક્ત 16 દિવસ બાકી, શારીરિક મુશ્કેલીઓથી પીડાઈ રહ્યા છે

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
sunita-williams


Sunita William Return Date: નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર લગભગ બે મહિનાથી અંતરિક્ષમાં અટવાયેલા છે. હાલમાં બન્ને અંતરિક્ષ યાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં છે. બન્ને અંતરિક્ષયાત્રીઓ બોઇંગ સ્ટારલાઇનરના પ્રથમ પરીક્ષણ માટે રવાના થયા હતા, પરંતુ અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે તેઓ પાછા ફરી શક્યા ન હતા. જો કે, હવે અમેરિકન સ્પેસ એજન્સી નાસા પાસે બન્ને અંતરિક્ષયાત્રીઓને પરત લાવવા માટે માત્ર 16 દિવસ બાકી છે.

અંતરિક્ષ યાત્રીઓને સુરક્ષિત રીતે પાછા લાવવામાં 16 દિવસ બાકી

નાસાના અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) પરથી સુરક્ષિત રીતે પાછા લાવવામાં 16 દિવસ બાકી છે. તેમનું બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાન હાલમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે ISSમાં અટવાયું છે.

આ પણ વાંચો: ટ્રમ્પ પર હુમલા પાછળ પાકિસ્તાનીનો હાથ? FBIની ઝપટમાં આવેલો આસિફ મર્ચન્ટ કોણ છે? જાણો

સુનિતાને દૃષ્ટિ અને હાડકાંની સમસ્યા થયાના ચિંતાજનક અહેવાલ

અંતરિક્ષયાત્રીઓ 50 દિવસથી વધુ સમય સુધી અંતરિક્ષમાં અટવાયેલા છે, જેના કારણે તેમની તબિયત બગડી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. નાસાના સૂત્રોના કહેવા મુજબ આઇ.એસ.એસ.માં સુનિતા વિલિયમ્સની બન્ને આંખોના કોર્નિયા(આંખનો સૌથી બહારનો હિસ્સો-નેત્રપટલ), લેન્સ અને આંખની નસનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. 

સુનિતાની આંખો ખરાબ થવાનો ખતરો 

આંખના નિષ્ણાત તબીબોના કહેવા મુજબ અંતરિક્ષયાત્રીઓને  અંતરિક્ષમાના ગુરુત્વાકર્ષણ બળની અસરના કારણે તેમના મગજ, આંખ સહિત અન્ય અવયવો પર ભારણ વધે છે. ક્યારેક તો આંખનો આકાર પણ બદલાઇ જવાનું જોખમ રહે છે. તેમજ જો વધુ સમય માટે અંતરિક્ષમાના ગુરુત્વાકર્ષણ બળના સંપર્કમાં રહેવાથી હંમેશા માટે દ્રષ્ટિહીન પણ થઈ શકે છે. 

બોન ડેન્સિટી ઘટી 

નાસાના સૂત્રોના કહેવા મુજબ સુનિતા વિલિયમ્સને બોન ડેન્સિટી(માનવ શરીરમાંના હાડાકાંમાં કેલ્શિયમનું અને ફોસ્ફરસનું  પ્રમાણ ઘટવું)ની સમસ્યા થઈ છે. કુદરતી તત્ત્વોનું પ્રમાણ ઘટી જવાથી તેમના હાડકાં નબળા પડી જતાં તેમને સંતુલન જાળવવામાં તેમજ ઊભા ન રહી શકવાની સમસ્યા સર્જાઈ છે. 

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં લોકોનો ગુસ્સો કેમ ભભૂક્યો? વિદ્યાર્થી સંગઠનના પ્રમુખે 16 વર્ષની તાનાશાહીનું સત્ય જણાવ્યું

5 જૂનથી અંતરિક્ષયાત્રીઓ ફસાયા છે 

બોઇંગ સ્ટારલાઇનર અંતરિક્ષયાન 5 જૂને બન્ને અંતરિક્ષયાત્રીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ ગયું હતું. સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોરનું આ મિશન માત્ર આઠ દિવસનું હતું, પરંતુ હિલિયમ લીક અને થ્રસ્ટરની ખામીને કારણે અંતરિક્ષયાત્રીઓનું પરત ફરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. બોઈંગ સ્ટારલાઈનરની આ પ્રથમ ઉડાન હતી. સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર લગભગ બે મહિનાથી અવકાશમાં અટવાયેલા છે. હવે નાસા પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બહુ ઓછો સમય બચ્યો છે.

સુનિતા વિલિયમ્સ સહિતના અંતરિક્ષ યાત્રીઓને બચાવવા ફક્ત 16 દિવસ બાકી, શારીરિક મુશ્કેલીઓથી પીડાઈ રહ્યા છે 2 - image



Google NewsGoogle News