Get The App

આજે ISSથી પૃથ્વી પર પરત ફરી રહ્યાં છે આ ત્રણ અંતરિક્ષ યાત્રી, સુનિતા વિલિયમ્સને મળી મોટી જવાબદારી

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
આજે ISSથી પૃથ્વી પર પરત ફરી રહ્યાં છે આ ત્રણ અંતરિક્ષ યાત્રી, સુનિતા વિલિયમ્સને મળી મોટી જવાબદારી 1 - image


Image Source: Twitter

Sunita Williams Become ISS Commander: જૂન મહિનામાં 8 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 8 મહિના માટે અંતરિક્ષમાં ફસાય ગયા છે. અમેરીકન અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને લાવવા માટે ખૂબ પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેમની પૃથ્વી પર વાપસી ફેબ્રુઆરી 2025 સુધી ટાળી દેવામાં આવી છે. હાલમાં સુનિતા અને વિલ્મોર 6 બેડ વાળા સ્પેસ સેન્ટરમાં 9 અન્ય લોકો સાથે રહી રહ્યા છે. હવે આજે ISSથી નવી અપડેટ આવી છે. સુનિતા વિલિયમ્સને ISSના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના પહેલાં આ જવાબદારી સંભાળી રહેલા રશિયન અંતરિક્ષયાત્રી ઓલેગ કોનોનેન્કો અન્ય બે યાત્રીઓ સાથે આજે પૃથ્વી પર પરત ફરી રહ્યા છે. સુનિતા વિલિયમ્સને ISSની જવાબદારી એવા સમયે સોંપવામાં આવી છે જ્યારે ટૂંક સમયમાં તેના અને વિલ્મોર માટે બચાવ અભિયાન શરૂ થવાનું છે.

આ બીજી વખત છે જ્યારે નાસાના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સને ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેણે 2012માં ઓપરેશન 33 દરમિયાન તેની કમાન સંભાળી હતી. રવિવારે રાત્રે આઠ વાગ્યે રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસના અંતરિક્ષ યાત્રી ઓલેગ કોનોનેન્કોએ સુનીતાને આ જવાબદારી સોંપી હતી. ઓલેગ અને તેની સાથે પહેલાથી જ ISSમાં રહેલા ત્રણ અંતરિક્ષ યાત્રીઓ સોમવારે પૃથ્વી પર પરત ફરી રહ્યા છે. ઓલેગ ઉપરાંત ટ્રેસી સી ડાયસન અને નિકોલાઈ ચૂબ પૃથ્વી પર પરત ફરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ISS અંતરિક્ષમાં એક એવી જગ્યા છે જ્યાં વિવિધ દેશોની અંતરિક્ષ એજન્સીઓ સાથે સંકળાયેલા યાત્રીઓ સમયાંતરે અહીં કેટલાક સમય માટે આવે છે. તેઓ અહીં રિસર્ચ કરે છે અને ISSની દેખરેખ કરે છે. ISS ક્યારેય અંતરિક્ષ યાત્રીઓ વિના નથી હોતું. ઓલેગ બાદ ટૂંક સમયમાં જ એક નવી ટીમ ISS પહોંચશે.

સુનિતા વિલિયમ્સની વાપસી ક્યારે થશે

સુનિતા વિલિયમ્સ અને તેના સાથી અંતરિક્ષ યાત્રી બૂચ વિલ્મોર 5 જૂન 2024થી ISS પર છે. તેઓ આઠ દિવસ માટે બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને અહીં પહોંચ્યો હતા પરંતુ સ્ટારલાઈનરમાં ટેકનિકલ ખામીને કારણે તેમની વાપસી આગામી વર્ષ સુધી ટાળી દેવામાં આવી છે. નાસા ફેબ્રુઆરી 2025 પહેલા બંનેને પૃથ્વી પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અંતરિક્ષમાં ફસાયેલા હોવા છતાં સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનું કહેવું છે કે, અમે ISSમાં એકદમ આરામથી રહી રહ્યા છીએ. નાસા દ્વારા જાહેર કરવામાં આવેલા વિડિયો મેસેજમાં વિલિયમ્સે કહ્યું હતું કે, આ મારી ખુશીની જગ્યા છે. મને અંતરિક્ષમાં રહેવું ખૂબ ગમે છે. આ પહેલા પણ સુનિતા વિલિયમ્સ ઘણા દિવસોના ટૂરમાં અંતરિક્ષની યાત્રા કરી ચૂકી છે. 

આજે 9 યાત્રીઓની ટીમ ધરતી પર પરત ફરશે

રશિયન અંતરિક્ષ યાત્રી ઓલેગ કોનોનેન્કો અને અન્ય 8 અંતરિક્ષ યાત્રીઓ સોમવારે પૃથ્વી પર પરત ફરી રહ્યા છે. પૃથ્વી પર આવતા પહેલા તેમણે સુનીતા વિલિયમ્સને કમાન્ડરની જવાબદારી સોંપી છે. હવે વિલિયમ્સની દેખરેખ હેઠળ જ ISS પર વિવિધ ઓપરેશન અને સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સુનિતા વિલિયમ્સને એવા સમયે ISSની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે તેના અને વિલ્મોર માટે બચાવ અભિયાન ટૂંક સમયમાં શરૂ થવાનું છે.

NASA વિલિયમ્સ અને વિલ્મોરને પૃથ્વી પર પરત લાવવા માટે સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન અંતરિક્ષ યાન મોકલવાની યોજના બનાવી રહ્યું છે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે, લાંબા પ્રવાસ બાદ તેમની સુરક્ષિત વાપસી થાય. 


Google NewsGoogle News