ગુગલના સી.ઈ.ઓ. તરીકે સુંદર પિચાઈને રાજીનામું આપવું પડે તેવી શક્યતા
- ગુગલની A.I. કંપની 'જેમીની'ના છબરડાથી પ્રતિષ્ઠા ખરડાઈ
- ટેકનોજગતના વિશ્લેષકોનો મત : સુંદર પિચાઈના નેતૃત્વમાં A.I.. ની રેસમાં ગુગલ ઘણું પાછળ રહી ગયું છે
- નાછુટકે 'જેમીની' પ્રોજેક્ટ હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે
અમદાવાદ : ગુગલના સી.ઈ.ઓ. તરીકે સુંદર પિચાઈને રાજીનામુ આપવું પડે તે પ્રકારનું વાતાવરણ કંપનીમાં સર્જાયું છે.
ગુગલની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એ.આઈ) કંપની 'જેમીની'એ છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વના મહાનુભાવો અંગેનો પ્રતિભાવ પુછાતા જે અપમાનજક કોમેન્ટ કરી તેના પગલે 'જેમીની' સામે ભારે રોષ તો પ્રગટયો જ પણ એ.આઈ.ની રેસમાં ગુગલની વિશ્વસનિયતા પર ફટકો પડયો છે. તેના શેરની વેલ્યુને પણ નોંધપાત્ર નકારાત્મક અસર થઈ છે.
'જેમીની' માત્ર ભારતના વડાપ્રધાન મોદી કે ટેસ્લાના વડા મસ્ક માટે જ બેફામ તારણો નથી આપતું પણ અન્ય કેટલાક જોબમાં પણ તે ધાર્યું કામ પાર નથી પાડતું તેમજ પૂર્વગ્રહ સાથેની ટેક્ષ્ટ આપે છે.
હવે પછીના યુગમાં એ.આઈ. ક્ષેત્રમાં જે મેદાન મારશે તેનું વિશ્વ પર પ્રભુત્વ હશે આ માટે ઓપન આઈ, ગુગલ, મેટા, ટેસ્લા, એમેઝોન, માઇક્રોસોફ્ટ, નીવિડિયા, એપલ વચ્ચે કટ્ટી સ્પર્ધા છે. જે માટે ટેકનોલોજીની રીતે એડવાન્સ હોવું તે માત્ર જ નહીં પણ વિશ્વસનિયતા પૂરવાર કરવી પણ અત્યંત જરૂરી બની રહેશે. ગુગલના એ.આઈ.ના 'જેમીની' પ્રોજેક્ટ માટે કંપનીએ સી.ઈ.ઓ. સુંદર પિચાઈને અમર્યાદ સત્તા, બજેટ અને ટીમ આપી હતી તો પણ 'જેમીની' તુમાખીભર્યું અને અવિશ્વસનીય પૂરવાર થયું છે.
બે દિવસ પહેલા સુંદર પિચાઈની 'જેમીની'ના વિવાદાસ્પદ ઉત્તરો બાબત પ્રતિક્રિયા પુછવામાં આવી હતી ત્યારે તેણે એટલો જ જવાબ આપેલો કે 'આ કોઈ પણ ભોગે ચલાવી ન લેવાય.' એ.આઈ. કંપની ઓપન આઈનું ચેટ જીપીટી ગુગલ કરતા મેદાન મારી ગયું છે. 'જેમીની'ના ઈમેજ જનરેશન ફીચરમાં પણ ત્રૂટિ જોવા મળે છે.
'જેમીની'ના છબરડાઓને લીધે આ એ.આઈ. હાલ પૂરતું બંધ કરવાની ફરજ પડાઈ છે. ગુગલની પ્રતિષ્ઠા આ કારણે ભારે ખરડાઈ છે.
હવે 'બીઝનેસ ઈનસાઈડર'ના રીપોર્ટ તેમજ અમેરિકાના ટેકનોજગતના વર્તુળમાં ચાલતી ચર્ચા પ્રમાણે ગુગલના સીઈઓ તરીકે સુંદર પિચાઈનું રાજીનામું લેવાય તેવી શક્યતા છે.
અમેરિકામાં ટેકનોલોજી વિશ્લેષક બેન થોમ્પસનના સૂચનો બ્રહ્મ વાક્ય સમાન મનાતા હોય છે તેણે તેની બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે ગુગલને એ.આઈ. યુગમાં બદલાવ લાવવાની જરૂર છે. આ માટે સુંદર પિચાઈ યોગ્ય નેતૃત્વ પુરૃં પાડી શકે તેમ નથી. આ અલગ જ સ્પેશ્યલાઈઝેશન છે. અન્ય એક વિશ્લેષકે 'જેમીની'નો સ્ટડી કર્યા પછી લખ્યું છે કે એ.આઈ.ના સર્ચ એન્જિન વોલ્યુમમાં ૨૦૨૬ સુધીમાં ૨૫ ટકાનો ઘટાડો જોવા મળશે. પર્પલેક્ષીટી એ.આઈ.ના સી.ઈ.ઓ. અરવિંદ શ્રીનિવાસન માને છે કે સુંદર પિચાઈ આલ્ફાબેટના સી.ઈ.ઓ. તરીકે ભલે જારી રહે પણ એ.આઈ. કંપનીમાં અન્ય કોઈની નિયુક્તિ કરી જ શકે છે. આગામી દિવસોમાં જ પિચાઈનું ભાવિ ખબર પડશે.