સુનકનું અંતિમ ભાષણ, અક્ષતા મોંઘા કપડાં બદલ ટ્રોલ થઈ
- અક્ષતાનો ડ્રેસ રૂ. 42,000નો હતો
- આ ડ્રેસ નથી પણ એક ક્યુઆર કોડ છે, સ્કેન કરો ડિઝનીલેન્ડની ટિકિટ મેળવો: ટ્રોલરની ટિખળ
લંડન : બ્રિટનના વિદાય લેનારા ભૂતપૂર્વ વડાપ્રધાન રિશિ સુનાકે અંતિમ ભાષણ આપ્યું ત્યારે આ દરમિયાન તેમની પત્ની અક્ષતા મૂર્તિ તેના મોંઘા ડ્રેસ અને તેની સ્ટાઇલ બદલ સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે ટ્રોલ થઈ હતી.
સુનાકની ફેરવેલ સ્પીચ કરતાં અક્ષતાએ પહેરેલો બ્લ્યૂ, વ્હાઇટ અને રેડ પેટર્નનો ડ્રેસ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. કેટલાક લોકોએ ડ્રેસના રંગને લઈને તો કેટલાકે તેની પેટર્ન અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું. કેટલાકે તો તેના પર ટિપ્પણી પણ કરી હતી.
એક સોશિયલ મીડિયા યુઝરે તેની અદભુત સર્જનાત્મકતા બતાવતા જણાવ્યું હતું કે અક્ષતા મૂર્તિએ પહેર્યો છે તે ડ્રેસ નથી પણ ક્યુઆર કોડ છે, તેને સ્કેન કરો અને ડિઝનીલેન્ડની ટિકિટ મેળવો. આ સિવાય અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે આ ડ્રેસની ડિઝાઇનની તુલના જર્મનીની યુ-બોટ સાથે કરી હતી.
આ સિવાય કેટલાકે તેના મોંઘા ડ્રેસની પણ ટીકા કરી હતી. તેણે પહેરેલો ડ્રેસ ૩૯૫ પાઉન્ડ એટલે કે રુ. ૪૨,૦૦૦નો હતો. ઉલ્લેખનીય છે કે રિશી સુનક બ્રિટનના અત્યાર સુધીના સૌથી સંપત્તિવાન પ્રાઇમ મિનિસ્ટર હતા. આ ઉપરાંત અક્ષતા મૂર્તિ હાથમાં છત્રી લઈને ઊભી હતી તેના અંગે પણ લોકોએ ઘણી કોમેન્ટ કરી હતી.