ગૃહમંત્રી પદ છીનવાતાં સુએલા ઋષિ સુનક પર વરસ્યાં, પત્ર લખી સંભળાવી ખરી ખોટી, ઊઠાવ્યાં આ મુદ્દા
બ્રિટનમાં ભારતીય મૂળના ગૃહમંત્રી રહી ચૂકેલા બ્રેવરમેને ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો
સુએલા બ્રેવરમેને સુનકને લખેલો પત્ર ટ્વિટર પર શેર કર્યો, કહ્યું - તમારી નીતિઓ કામ નથી કરી રહી
Suella Braverman letter to Rishi Sunak | બ્રિટનના પૂર્વ ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને વડાપ્રધાન ઋષિ સુનક પર હુમલો કર્યો છે. બ્રેવરમેને કહ્યું કે સુનક ગેરકાયદેસર ઇમિગ્રેશન અને યહૂદીવિરોધી મુદ્દાઓ પર આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન સુનકે એક દિવસ પહેલા જ બ્રેવરમેનને ગૃહમંત્રી પદેથી બરતરફ કરી દીધા હતા, ત્યારબાદથી કન્ઝર્વેટિવ નેતા બ્રેવરમેન સુનક સામે નિશાન તાકી રહ્યાં છે.
પીએમ ઋષિ સુનકને પત્ર લખ્યો
પૂર્વ ગૃહમંત્રી બ્રેવરમેને કહ્યું કે સુનકની યોજનાઓ કામ કરી રહી નથી. કન્ઝર્વેટિવ પાર્ટી ચૂંટણીમાં રેકોર્ડ હાર તરફ આગળ વધી રહી છે. બ્રેવરમેને વડાપ્રધાન સુનકને એક પત્ર પણ લખ્યો હતો, જે તેમણે X પર શેર કર્યો હતો. આ પત્રમાં તેમણે લખ્યું છે કે ગઈકાલે સવારે તમે ફોન કરીને મને કેબિનેટ છોડવા કહ્યું હતું. પાર્ટીના મોટાભાગના સભ્યોએ તમને નકારી દીધા હતા. તમારી પાસે વડાપ્રધાન બનવા માટે કોઈ અંગત જનાદેશ પણ નહોતો. પરંતુ મેં તમને ટેકો આપ્યો અને ઑક્ટોબર 2022માં ગૃહ મંત્રી તરીકે કામ કરવાની તમારી ઑફર સ્વીકારી.
સુનક સામે તાક્યું જોરદાર નિશાન
બ્રિટનમાં ભારતીય મૂળના ગૃહમંત્રી રહી ચૂકેલા બ્રેવરમેને ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આપણા દેશમાં માર્ગો પર કથિત રીતે યહૂદીવિરોધી ભાવનાઓ જોવા મળી પરંતુ આ ઉગ્રવાદ અને ભાવનાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. બ્રિટન હાલમાં ઇતિહાસના સૌથી ખતરનાક તબક્કામાં છે. દેશમાં કટ્ટરવાદ અને ઉગ્રવાદનો ખતરો વધી ગયો છે. મને એ કહેતા દુ:ખ થાય છે કે તેનું કારણ નબળું-અનિશ્ચિત નેતૃત્વ અને ગુણોનો અભાવ છે. ખતરાની ગંભીરતા સમજવાને બદલે, તમારા સાથીઓ મારી સાથે અસંમત રહ્યા કે કાયદામાં ફેરફારની જરૂર છે.
સુનકને આપી સલાહ
બ્રેવરમેને વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં તમને બ્રિટનનું નેતૃત્વ કરવાની તક આપવામાં આવી હતી. આ અગત્યનું કામ હતું. તેને હળવાશથી ન લેવું જોઈએ. દેશની સેવા કરવા માટે બહાદુરી અને સારા કામની જરૂર છે. તમારે પ્રમાણિક રહેવાની જરૂર છે. તમારી યોજનાઓ કામ કરી રહી નથી. તમારો સમય પૂરો થઈ રહ્યો છે. તમારે કોર્સ બદલવાની જરૂર છે.