અચાનક નદીનું પાણી સફેદ થયું, લોકોમાં કૂતુહલ સર્જાયું, તંત્રને ફરિયાદ કરતાં કારણ આવ્યું સામે
- નદીનું રહસ્યમય રીતે સફેદ થઈ જવા પાછળનું કારણ એક બ્લોક્ડ ડ્રેનેજ હતી
Image Source: Instagram
નવી દિલ્હી, તા. 08 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર
સામાન્ય રીતે નદીઓમાં કાં તો એકદમ સ્વચ્છ પાણી હોય છે અથવા તો ગંદુ પાણી હોય છે પરંતુ કદાચ તમે સફેદ રંગની નદી ક્યારેય ન જોઈ હશે. હાલમાં જ વર્જીનિયામાં એક નાની નદીમાં સફેદ રંગનું પાણી અચાનક વહેવા લાગ્યું. આ જોઈને લોકોમા કૂતુહલ સર્જાયું હતું.
ગભરાઈ જઈને લોકોએ ઈમરજન્સી સર્વિસને ફોન કરી આ મામલે ફરિયાદ કરી ત્યાર બાદ તેની તપાસ કરવામાં આવી. લિંચબર્ગ ફાયર ડિપાર્ટમેન્ટે એક ફેસબુક પોસ્ટમાં આ સમગ્ર કિસ્સા વિશે જણાવ્યું હતું.
પોસ્ટમાં તેમણે લખ્યું કે, ક્રૂ એ 911 પર કોલનો જવાબ આપ્યો જેમાં હેંડ્રિક્સ સ્ટ્રીટ નજીક એક નદી વિશે જણાવવામાં આવ્યું કે, નદી સંપૂર્ણ રીતે સફેદ થઈ ગઈ છે અને લોકો પરેશાન થઈ ગયા છે. ઘટના સ્થળ પર પહોંચેલા ફાયરફાઈટર્સે તપાસ બાદ જણાવ્યું કે, નદીનું રહસ્યમય રીતે સફેદ થઈ જવા પાછળનું કારણ એક બ્લોક્ડ ડ્રેનેજ હતી જેના કારણે આવું થયુ હતું.
તેમણે જણાવ્યું કે, પાણીનો સફેદ રંગ વેસ્ટઓવર ડેરી પ્લાન્ટમાંથી નીકળેલા બેકાર દૂધના કારણે થયો હતો. વિભાગે કહ્યું કે પ્લાન્ટમાં ડ્રેન લાઈન બ્લોક થઈ જવાને કારણે દૂધ ઓવરફ્લો થઈને સીવરમાંથી વહીને નદીમાં ચાલ્યુ ગયુ હતું.
તેમણે આગળ લખ્યું કે, બ્લોકેજને સાફ કરી દેવામાં આવ્યુ છે અને ઓવરફ્લો પણ બંધ થઈ ગયુ છે. આ સાથે જ સ્થાનિક અને રાજ્ય જળ સંસાધન અધિકારીઓને ઘટનાની જાણકારી આપી દેવામાં આવી છે. વિભાગે જણાવ્યું કે, વહી ચૂકેલા વેસ્ટ દૂધથી જાહેર આરોગ્યને કોઈ જોખમ નથી.
ભૂતકાળમાં પણ આવી ઘટના સામે આવી ચૂકી છે જેણે લોકોને ડરાવી દીધા હતા. વર્ષ 2020માં થોડા સમય માટે રશિયામાં એક નદીનો રંગ બીટરૂટ જેવો લાલ થઈ ગયો હતો જેના કારણે સ્થાનિક લોકો ખૂબ જ હેરાન-પરેશાન થઈ ગયા હતા.