અચાનક જ પૂર આવતા પાકિસ્તાને ઈમરજન્સી જાહેર કરી, ભારત પર લગાવ્યો ગંભીર આરોપ
Pakistan Flood News : પહલગામ હુમલા બાદ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પાકિસ્તાની મીડિયાએ ભારત સામે ગંભીર આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના ડોન ન્યૂઝ અનુસાર પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ જિલ્લાની આસપાસ પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
વૉટર ઇમરજન્સી જાહેર કરવી પડી
જેના કારણે સમગ્ર વિસ્તારમાં વૉટર ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયાએ આ સ્થિતિ માટે પણ ભારતને જવાબદાર ઠેરવ્યું છે. દુનિયા ન્યૂઝના અહેવાલ મુજબ, ભારતે પાકિસ્તાનને જાણ કર્યા વિના ઝેલમ નદીનું પાણી છોડી દીધું હોવાનો દાવો કરાયો છે, જેના કારણે પૂરની આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.
ક્યાંથી આવ્યું પાણી?
અહેવાલ અનુસાર સ્થાનિક વહીવટીતંત્રે હટિયાન બાલામાં વૉટર ઈમરજન્સી જાહેર કરી છે અને લોકોને એલર્ટ કર્યા છે. મસ્જિદોમાં જાહેરાતો દ્વારા સ્થાનિક લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે. દુનિયા ન્યૂઝે પોતાના અહેવાલમાં એમ પણ કહ્યું છે કે આ સમાચાર બહાર આવ્યા બાદ નદી કિનારે રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. અહેવાલો અનુસાર, આ પાણી ભારતના અનંતનાગથી થઈને પાકિસ્તાનના ચકોઠી વિસ્તારમાંથી વહી રહ્યું છે.
ભારતે સિંધુ જળ સંધિ અટકાવી
આ પહેલા ભારતે પહલગામ હુમલા અંગે કડક કાર્યવાહી કરીને પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાં લીધા હતા. ભારતે સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની જાહેરાત કરી છે અને કેન્દ્ર સરકાર હાલમાં સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાન જે ત્રણ નદીઓનો ઉપયોગ કરી રહ્યું હતું તેના પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાના માર્ગો પર યોજના બનાવી રહી છે.