કેનેડા જતાં સ્ટુડન્ટે આજીવિકા ખર્ચ પેટે જાન્યુ.થી વીસ હજાર ડોલર બતાવવા પડશે

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
કેનેડા જતાં સ્ટુડન્ટે આજીવિકા ખર્ચ પેટે જાન્યુ.થી વીસ હજાર ડોલર બતાવવા પડશે 1 - image


- નવો માપદંડ પહેલી જાન્યુઆરીથી નવી સ્ટડી પરમીટ અરજીઓને લાગુ પડાશે 

- કેમ્પસની બહાર અઠવાડિયાના વીસ કલાક કામ કરવાની છૂટ હવે એપ્રિલ સુધી  સ્ટુડન્ટ્સને દોઢ વર્ષ વર્ક પરમીટ લંબાવી આપવાનું પણ બંધ કરાશે 

ઓટ્ટાવા : કેનેડામાં ભણવા જતાં વિદ્યાર્થીઓએ પહેલી જાન્યુઆરી ૨૦૨૪થી આજીવિકા ખર્ચની નાણાંકીય જરૂરિયાત પેટે દસ હજાર કેનેડિયન ડોલરને બદલે બમણાં એટલે કે ૨૦,૬૩૫ ડોલર બતાવવા પડશે તેમ ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે જાહેર કર્યું હતું. કેનેડાની સરકારના આ પગલાંથી ભારતમાંથી કેનેડા ભણવા જતાં વિદ્યાર્થીઓએ  વધારે નાણાંની જોગવાઇ કરવી પડશે. કેનેડામાં ૨૦૨૨ંમાં સૌથી વધારે ૩,૧૯,૦૦૦ ભારતીય સ્ટુડન્ટ સ્ટડી પરમીટ હોલ્ડર્સ હતા. હાલ કેનેડા ભણવા જતાં વિદ્યાર્થીએ પ્રવાસ અને શિક્ષણ ખર્ચ ઉપરાંત દસ હજાર કેનેડિયન ડોલર તેમની પાસે હોવાનું દર્શાવવું પડે છે. દસ હજાર ડોલરની જરૂરિયાત છેલ્લા બે  દાયકાથી યથાવત હતી. હવે  સ્ટેટેસ્ટિકસ કેનેડા બેન્ચમાર્ક અનુસાર આજીવિકા ખર્ચ દર વર્ષે વધે તે રીતે આ રકમમાં વધારો ઘટાડો કરવામાં આવશે. મિલરે જણાવ્યું હતું કે આજીવિકા ખર્ચની સામે નાણાંકીય જરૂરિયાત ઘણાં સમયથી વધારવામાં આવી ન હોવાથી કેનેડામાં આવતાં વિદ્યાર્થીઓને તેમની પાસેનું ભંડોળ અપૂરતું જણાય છે. 

મિલરે જે પ્રાંતો વિદ્યાર્થીઓને રહેઠાણ પુરૂ પાડવામાં સહાય ન કરતાં હોય તેમની વિસાની સંખ્યા મર્યાદિત કરવાની પણ ધમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક પ્રાંતોમાં ડિપ્લોમાઓ આડેધડ આપવામાં આવે છે તે કાયદેસર સ્ટુડન્ટ એક્સપરિયન્સ નથી. વર્ષોથી ટીકાકારો કહેતાં આવ્યા છે કે કેટલીક કોલેજો વિદેશીઓને અપૂરતું શિક્ષણ આપે છે અને કેનેડામાં કામ કરવાના વિસા મેળવવાની અને આખરે ઇમિગ્રેટ કરવાની તક પુરી પાડે છે. મિલરે જણાવ્યું હતું કે આ છેતરપિંડી અને  દુરૂપયોગ છે તે બંધ કરવાની જરૂર છે. અમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ને ભેદી એમ્પલોયર્સ અને અનૈતિક  શૈક્ષણિક સંસ્થાઓ સામે રક્ષણ આપવા માટે આ પગલાં ભરી રહ્યા છીએ. આ અનૈતિક લોકોને કારણે વિદ્યાર્થીઓ માટે કેનેડામાં વસવું મુશ્કેલ બની રહે છે.

મિલરે અન્ય મહત્વની જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે વર્તમાન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે હાલ અમલી દર અઠવાડિયે વીસ કલાકની ઓફ કેમ્પસ વર્ક લિમિટને ૩૦ એપ્રિલ ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. વધુમાં સરકાર આ મર્યાદા વર્ગ ચાલુ હોય ત્યારે વધારીને ૩૦ કલાક કરવા વિચારી રહી છે. નવેમ્બર ૨૦૨૨માં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે ઓફ કેમ્પસ કામના કલાકોની મર્યાદા હટાવી લેવામાં આવી હતી જે આ મહિને પુરી થવાની છે. સરકાર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની વર્ક પરમીટ પુરી થઇ હોય કે પુરી થવાની હોય તેને ૧૮ મહિના લંબાવી આપવાનું  પણ હવે બંધ કરશે.

જેમની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમીટ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ના પુરી થતી હોય તેઓ હજી અરજી કરી શકે છે પણ જેમની વર્ક પરમીટ એ તારીખ પછીપુરી થતી હોય તેઓ અરજી કરી શકશે નહીં.

મિલરે ઉમેર્યું હતું કે ફેડરલ સરકાર શૈક્ષણિક અનુભવના ભાગરૂપે સ્ટુડન્ટને પૂરતો સપોર્ટ મળી રહે તે માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને અપાતાં વિસાની સંખ્યા મર્યાદિત કરવા માટે આયોજન કરી રહી છે. હાઉસિંગ કટોકટી માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને દોષ આપવો જેમ ભૂલભર્યું  છે  તેમ તેમને માથાં પર છાપરું પુરૂ પાડવા સહિતની સહાય આપ્યા વિના તેમને કેનેડા ભણવા બોલાવવા તે પણ ભૂલભર્યું ગણાશે. 


Google NewsGoogle News