માઉન્ટ એવરેસ્ટ પર સેલ્ફી માટે ઝગડો, દુનિયાના ઉંચા શિખર ઉપર પણ અશાંતિ
ચીને માઉન્ટ એવરેસ્ટનો તિબેટ તરફનો હિસ્સો માઉન્ટેનીયર્સ માટે ખોલ્યો હતો
૪ લોકોને અરેસ્ટ કરીને આગળની તપાસ શરુ કરવામાં આવી હતી.
લ્હાસા,૧૦ જુલાઇ,૨૦૨૪,બુધવાર
સેલ્ફી લેવા માટે સારા સેલ્ફી પોઇન્ટ પર ભીડ જોવા મળતી હોય છે. કયારેક તો સેલ્ફી માટે રાહ પણ જોવી પડે છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે માઉન્ટ એવરેસ્ટ જે દુનિયાનું સૌથી ઉંચું શિખર છે તેની ટોચ પર સેલ્ફી લેવા માટે પડાપડી થઇ હતી. ૨૯૦૩૦ ફૂટની ઉંચાઇએ આવેલા એક વ્યૂ પોઇન્ટ પર અલગ અલગ ગુ્પો દ્વારા થયેલી લડાઇએ સાબીત કરી દીધું છે કે લોકો પોતાની યાદગાર પળોને મોબાઇલ કેમેરામાં કંડારવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે.
ધ ઇન્ડિપેન્ડેન્ટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ આ ઘટના ૨૫ જૂનના રોજ બની હતી. ચીનના તિબેટ ઓટોનૉમસ રીજયોનમાં આવેલા ૮૮૪૮ વ્યૂઇંગ પ્લેટફોર્મ પર બે ટુરિસ્ટ ગુ્પ્સ એક સાથે ફોટોઝ પડાવવા માટે એવરેસ્ટ એલિવેશન મોન્યુમેંટ પાસે ગઇ હતી. સેલ્ફી માટે બે ગુ્પ વચ્ચે મગજમારી થઇ હતી. મામલો ખૂબ આગળ વધી ગયો ત્યારે એક મહિલા રોકવા પ્રયાસ કરતી જણાય છે. રિપોર્ટ અનુસાર એવરેસ્ટ સીમા પોલિસ શિબિરના અધિકારીઓએ આ બાબતે હસ્તક્ષેપ કરીને મામલો થાળે પાડયો હતો.
સમગ્ર ઘટનામાં ૪ લોકોને અરેસ્ટ કરીને આગળની તપાસ શરુ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ચીને માઉન્ટ એવરેસ્ટનો તિબેટ તરફનો હિસ્સો માઉન્ટેનીયર્સ માટે ખોલી નાખ્યો હતો. જે કોવિડ મહામારી પછી બંધ હતો. કમનસીબે સૌથી ઉંચા ગણાતા પર્વત ઉપર પણ ભીડ ભાડ વધી રહી છે. આને લગતા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ચુકયા છે. આટલી ઉંચાઇએ એક બીજાને સહકાર અને મદદ કરવાના હોય તેના સ્થાને સેલ્ફી માટે મારપીટ એ આંચકાજનક ઘટના છે.