ઇટાલીનાં નેપલ્સ પાસેનાં શહેરમાં પ્રબળ ભૂકંપ મધરાતે લોકો ઘરની બહાર નીકળી ખુલ્લામાં દોડયા
- જાણે કે સમગ્ર ધરતી ધ્રુજી રહી છે
- છેલ્લા 3 દિવસમાં મધ્ય અમેરિકાનાં ગ્વાટેમાલા ઉપરાંત ઉ.ધ્રુવ સમુદ્રના જાન મેઆન ટાપુમાં પણ ધરતીકંપ થયો
નવી દિલ્હી : આજે મધરાતે આશરે ૧.૩૫ કલાકે ઇટાલીનાં નેપલ્સ પાસેનાં પોઝુઓલી શહેરમાં ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો. ભૂકંપ પહેલાં જમીનમાંથી ભારે ગગડાટ સંભળાતાં લોકો સફાળા જાગી ગયા હતા. ત્યાં તો ધરતી ધ્રુજવા લાગી. આથી લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયાં. આ ધરતીકંપન લીધે નબળાં બાંધકામનાં કેટલાંક મકાનો તૂટી પડયાં હતાં તો કેટલાંકમાં તિરાડો પડી ગઈ હતી. જે લોકો પાસે મોટરો હતી તેઓ મોટરોમાં બેસી થોડે દૂર ચાલ્યા ગયા હતા અને મોટરોમાં જ રાત ગાળી હતી. આ ધરતીકંપ પછી કેટલાક સમય સુધી આફટર શોક્સ આવતાં લોકો ઘણા જ ગભરાઈ ગયા હતા. પોઝુઓલુ શહેર તથા આસપાસના વિસ્તારો પણ ધરતીકંપથી ધ્રુજી રહ્યા હતા.
ઇટાલીની ઇટાલિયન નેશનલ જીયોફિડરક્સ એન્ડ વૉલ્ડેનો લોજી(આઈએન.જી.વી.)ના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું ઉદ્ગમ સ્થાન ધરતીમાં માત્ર ૧૦ કી.મી. ઊંડે જ હતું. તેથી મકાનોને નુકસાન થયું છે. પરંતુ કોઈ જાનહાની થઈ હોવાના સમાચારો નથી.
આ ધરતીકંપ પછી જ્યોર્જીયા મેઓનીની સરકારે રાતોરાત બચાવ કાર્ય શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે મધ્ય અમેરિકાનાં ગ્વાટે માલામાં પણ ૧૧મી તારીખે જ્વાળામુખી ફાટયો હતો. તેથી ધરતીકંપ થયો હતો. સોમવારે થયેલા આ ધરતીકંપને લીધે, શાળા, કોલેજોમાં રજા રાખવામાં આવી હતી.
આ પૂર્વે તા. ૧૦મીના દિવસેનો ઉત્તર ધ્રુવ સમુદ્રમા આવેલા જીન આયેન ટાપુમાં તો ૬.૫નો ભયંકર ભૂકંપ થયો હતો. પરંતુ ત્યાં માનવ વસ્તી નહીં હોવાથી જાન-માલનું કોઈ નુકસાન થયું નથી. તેમ અમેરિકાની સીસ્મોગ્રાફી સંસ્થાએ જણાવ્યું હતું.